સાયન્સ કોલેજોને બંધ ગ્રાન્ટેડ વર્ગો ફરી ચાલુ કરવા આદેશ હવે સ્ટાફની ભરતી થતા વર્ગો ચાલુ કરવા સૂચના આપી છે : કુલપતિ

ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી સાયન્સ કોલેજો પૈકી ભવન્સ અને મણીનગર સાયન્સ કોલેજ દ્વારા ગયા વર્ષે સ્ટાફના મુદ્દે બે ગ્રાન્ટેડ વર્ગો બંધ કરી દેવાયા હતા. જે તે સમયે યુનિવર્સિટીએ દબાણ કરતાં બન્ને કોલેજો હાઇકોર્ટમાં ગઇ હતી. જેથી ગયા વર્ષે આ બે કોલેજના ગ્રાન્ટેડ વર્ગોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો નહોતો. હવે આગામી દિવસોમાં સાયન્સ કોલેજમાં પ્રવેશની કાર્યવાહી શરૂ થવાની છે ત્યારે કુલપતિએ ફરીવાર આ બન્ને કોલેજોને અગાઉ બંધ કરાયેલા વર્ગો ચાલુ કરવા અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો આદેશ કર્યો છે. આ આદેશનો અમલ થાય તો સાયન્સમાં અંદાજે ૫૦૦થી વધારે વિદ્યાર્થીઓને સમાવેશ કરાશે.

મણીનગર સાયન્સ કોલેજ અને ભવન્સ સાયન્સ કોલેજે સ્ટાફના બહાના હેઠળ ગ્રાન્ટેડ વર્ગો બંધ કરી દીધા હતા. તાજેતરમાં સેનેટ સભ્ય રાજેન્દ્ર જાદવ સહિત અન્ય પ્રોફેસરોએ કુલપતિને મળીને એવી રજૂઆત કરી હતી કે, બીએસસીમાં બંધ કરેલા ગ્રાન્ટેડ વર્ગો ફરી ચાલુ કરવા જેના કારણે વિદ્યાર્થીઓને લાભ મળી શકે. આ માંગણીના અનુસંધાનમાં તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા પરિપત્ર કરીને ભવન્સ અને મણીનગર સાયન્સ કોલેજોને બંધ કરાયેલા ગ્રાન્ટેડ વર્ગો શરૂ કરવા અને પહેલાની જેમ જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા આદેશ કર્યો છે. આ અંગે કુલપતિ એમ.એન.પટેલ કહે છે ગયા વર્ષે સ્ટાફના બહાના હેઠળ આ કોલેજોએ વર્ગો બંધ કર્યા હતા. પરંતુ હવે સરકારે દરેક કોલેજમાં સ્ટાફની ભરતી કરી હોય વર્ગો ચાલુ કરવા આદેશ કરાયો છે