ગૂગલની ડ્રાઇવરલેસ કારમાં હવે સોફ્ટવેર જ 'ડ્રાઇવર' ગણાશે

ગૂગલની ડ્રાઇવરલેસ કારના પ્રયાસો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યા છે અને અકસ્માતો ઘટાડવા માટે ડ્રાઇવરલેસ વાહનો કારગત નિવડશે એમ મનાઈ રહ્યું છે ત્યારે એને માન્યતા આપતો મહત્વનો ચૂકાદો અમેરિકાના વાહન સુરક્ષા નિયમન વિભાગે આપ્યો છે કે ડ્રાઇવરલેસ કારનું નિયમન કરતા સોફ્ટવેરને ડ્રાઇવર ગણી શકાશે.

અમેરિકાની વ્હિકલ સેફ્ટી રેગ્યુલેટરીના આ નિર્ણયથી ગૂગલના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ ડ્રાઇવરલેસ કારને બળ મળશે જ, પણ ભવિષ્યમાં બીજી જાયન્ટ ઓટોમોબાઇલ કંપનીઓ પણ આ પ્રોજેક્ટને અપનાવતી થશે. રોડ સેફ્ટીના વિશ્વ સ્તરના નિષ્ણાતો એવો મત વ્યક્ત કરી ચૂક્યા છે કે મોટા ભાગના અકસ્માતો ડ્રાઇવરની બેપરવાહીના કારણે થાય છે એટલે જો સોફ્ટવેર સંચાલિત વાહનોનો વિચાર અખ્તયાર કરવામાં આવે તો વિશ્વમાં વર્ષે થતાં લાખો અકસ્માતો નિવારી શકાય છે. ગૂગલની ડ્રાઇવરલેર કારની આ પહેલ એ દિશાનું એક અહમ પગલું હતું અને અમેરિકાના વાહન સુરક્ષા નિયમનની ડ્રાઇવરલેસ કારના સોફ્ટવેરને ડ્રાઇવર ગણવાની માન્યતા એથીય મોટુ અહમ પગલું લેખાશે.

ગૂગલે ગત નવેમ્બર માસમાં અમેરિકાના નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેટિવ સમક્ષ સેલ્ફ ડ્રાઇવિંગ કારની ડિઝાઇન અને તેમાં અત્યાર સુધીમાં મળેલી સફળતાનો અહેવાલ રજૂ કર્યો હતો. 'ડ્રાઇવર તરીકે માણસની જરૃર નથી' એવા હેડિંગ સાથેના અહેવાલનો અભ્યાસ કર્યા પછી પત્ર લખીને ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેટિવ દ્વારા ડ્રાઇવરલેસ કારમાં કાર્યરત સોફ્ટવેરને ડ્રાઇવર તરીકે માન્ય ગણી શકાશે એવો નિર્ણય જાહેર કર્યો હતો. એડમિનિસ્ટ્રેટિવના અધિકારી પૌલે જણાવ્યું હતું કે 'અમે ગૂગલના વિચાર સાથે સહમત થઈએ છીએ અને સોફ્ટવેર વાહન ચાલકનું કામ કરી શકે છે એટલે તેને જ 'ડ્રાઇવર' ગણી શકાય'. ગૂગલે આ નિર્ણયને આવકાર્યો હતો અને આગામી દિવસોમાં અમેરિકાના રસ્તા પર ડ્રાઇવરલેસ કાર દોડાવવા તરફ વધુ એક કદમ આગળ વધી શકાયું છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.