કેન્‍દ્રીય કર્મચારીઓએ વધેલા પગારના પ૦ ટકા રકમનું રોકાણ બેંક બોન્‍ડમાં કરવું પડે તો નવાઇ નહિ સરકાર નવતર પ્રસ્‍તાવ લાવવા વિચારે છે

નવી દિલ્‍હી, તા. ૮ : સરકાર સાતમા પગારપંચની ભલામણોના અમલ વખતે એક નવતર પ્રસ્‍તાવની વિચારી રહી છે. પ્રસ્‍તાવના ભાગરૂપે પ્રથમ બે વર્ષ માટે ઉંચી આવક ધરાવતા સરકારી કર્મચારીઓને વધેલા પગારની પ૦ ટકા રકમનું રોકાણ ફરજિયાતપણે બેન્‍ક કેપિટલાઇઝેશન બોન્‍ડ્‍સમાં કરવાનું રહેશે. બોન્‍ડ દ્વારા એકત્ર ભંડોળનો ઉપયોગ સરકારી તિજોરી પર દબાણ વધાર્યા વગર બેન્‍કોના મૂડીકરણ માટે કરાશે.
   પ્રસ્‍તાવ અમલી બનશે તો ઉંચી આવક ધરાવતા સરકારી કર્મચારીઓના હાથમાં ઓછી રોકડ આવશે. જોકે, બદલામાં તેમને કેપિટલાઇઝેશન બોન્‍ડ્‍સમાં રોકેલી રકમ પર ટેકસ રિબેટ મળશે. ટેકસ બચાવવા પગાર વધારાની પ૦ ટકાથી વધુ રકમ આ બોન્‍ડ્‍સમાં રોકવા ઇચ્‍છુક લોકોને તેની મંજૂરી આપવામાં આવશે. ‘બેન્‍ક કેપિટલાઇઝેશન સ્‍કીમ' નામનો આ પ્રસ્‍તાવ ઓછો પગાર ધરાવતા કર્મચારીઓ અને પેન્‍શનર્સ માટે સ્‍વૈચ્‍છિક હશે. નાણામંત્રાલયના અધિકારીએ આ પ્રસ્‍તાવ અંગે ગુરૂવારની બેઠકમાં પ્રારંભિક ચર્ચા થઇ હોવાની વાતને સમર્થન આપ્‍યું હતું. જોકે, તેના અમલીકરણનો નિર્ણય લેવાયો નથી. તેમણે કહ્યું હતું કે, ‘મુદ્દાની ચર્ચા થઇ છે, અમે તમામ વિકલ્‍પો ચકાસી રહ્યા છીએ. પ્રસ્‍તાવ અનુસાર કર્મચારીઓએ આ બેન્‍ક રિકેપિટલાઇઝેશન સ્‍કીમ'માં રોકાણ કરશે તો આવકવેરાની જોગવાઇ હેઠળ ર૦૧૬-૧૭ અને ર૦૧૭-૧૮માં પે કમિશનને પગલે થનારા પગાર વધારા પર તેમને ટેકસ રિબેટ ઓફર કરાશે. પહેલી જાન્‍યુઆરી ર૦૧૬ થી સાતમા પગારપંચની ભલામણોના અમલ માટે સરકારે વાર્ષિક ધોરણે વધારાના રૂ. ૪૦,૦૦૦-પ૦,૦૦૦ કરોડ ચૂકવવા પડશે.
   પ્રસ્‍તાવને મંજૂરી મળશે તો બોન્‍ડ દ્વારા એકત્ર ભંડોળનો અમુક હિસ્‍સો બેન્‍કોના મૂડીરોકાણ માટે વપરાશે. નાણામંત્રાલયના અંદાજ પ્રમાણે પીએસયુ બેન્‍કોને આગામી ચાર નાણાકીય વર્ષમાં વધુ રૂ. ૧.૮ લાખ કરોડની જરૂર પડશે. જેમાં રૂ. ૭૦,૦૦૦ કરોડ સરકાર આપશે.
   સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં બેન્‍કોના મૂડીકરણ માટે રૂ. રપ,૦૦૦ કરોડની જોગવાઇ કરી છે. સરકારે બજેટમાં જણાવ્‍યું હતું કે, તેણે સાતમા પગાર પંચની ભલામણોના અમલ માટે પૂરતી જોગવાઇ કરી છે, પરંતુ વિશ્‍લેષકોના મતે બજેટની જોગવાઇ પૂરતી નથી. ભલામણો અનુસાર પગાર વધારો કરાશે તો સરકાર માટે જીડીપીના ૩.પ ટકાનો રાજકોષીય ખાધનો લક્ષ્યાંક હાંસલ કરવાનું મુશ્‍કેલ બનશે. બજેટ પછીના અહેવાલમાં મોર્ગન સ્‍ટેન્‍લીએ જણાવ્‍યું હતું કે, ‘સાતમા પગારપંચની ભલામણોના આધારે સરકારી કર્મચારીઓના વેતન અને પેન્‍શન ખર્ચમાં વૃદ્ધિની બજેટમાં સંપૂર્ણ જોગવાઇ કરવામાં આવી નથી.'