કોલેસ્‍ટરોલ વધી જાય તો પણ હાર્ટ એટેકની શક્‍યતા નથી

નવા અભ્‍યાસનું તારણ

   લંડન તા. ૧૫ :  સાઠ કે તેથી વધુ ઉંમરના લોકોના લોહીમાં કોલેસ્‍ટરોલ નું પ્રમાણ વધી ગયું હોય તો પણ તેમને હૃદયરોગનો હુમલો આવવાની શક્‍યતા નથી, એક નવા સંશોધનમાં કરવામાં આવેલા દાવાની બાબતે એક નિષ્‍ણાત જૂથે જણાવ્‍યું હતું કે કોલેસ્‍ટરોલ પ્રમાણ ઘટાડવા માટેની દવા પ્રિસ્‍ક્રાઈબ કરવી એ સમય વેડફવા બરાબર છે.

   વિજ્ઞાનીઓની એક આંતરરાષ્ટ્રીય ટીમે આ પહેલાં ૬૮,૦૦૦ લોકોને આવરીને હાથ ધરવામાં આવેલા ૨૯ અભ્‍યાસનું આકલન કર્યું હતું તેમાં તેમને જણાયું હતું કે મોટી ઉંમરે લોહીમાં કોલેસ્‍ટરોલનું ઊંચું પ્રમાણ જે કથિત રીતે બેડ કોલેસ્‍ટરોલ તરીકે લેખવામાં આવે છે તેને હૃદયરોગના હુમલા સાથે કોઈ સંબંધ નથી. અભ્‍યાસમાં જણાયું હતું કે કોલેસ્‍ટરોલનું ઊંચું પ્રમાણ ધરાવતા સાઠ કે તેથી મોટી ઉંમરના ૯૨ ટકાનું આયુષ્‍ય લાંબુ હોય છે. બાકીના આઠ ટકામાં કોલેસ્‍ટરોલના પ્રમાણ અને હૃદયજન્‍ય બીમારી સાથે કોઈ સંબંધ નહીં હોવાનું જણાયું હતું.

   લેખકોએ સ્‍ટાટિન પ્રિસ્‍ક્રિપ્‍શનની ફેર મૂલવણી કરવાની એમ કહીને અપીલ કરી હતી કે સ્‍ટાટીન ટ્રીટમેન્‍ટના લાભને વધુ મોટું સ્‍વરૂપ આપવામાં આવી રહ્યું છે. પણ તેમણે એવો દાવો કર્યો હતો કે સંશોધન પરથી એવો નિર્દેશ મળે છે કે કોલેસ્‍ટરોલનું પ્રમાણ વધુ કે ઊંચું હોય તો બીજા રોગ થતા અટકાવી શકાય છે.