અન્ય બોર્ડની શાળાઓ પર હવે શિક્ષણ વિભાગનું વર્ચસ્વ વધશે
|
| સીબીએસઈ સહિત અન્ય બોર્ડની સ્કૂલોને દરવર્ષે એનઓસી લેવાની દરખાસ્ત સરકારને મંજૂરી માટે મોકલાઈરાજ્યમાં આવેલી સીબીએસઈ, આઈસીએસઈ બોર્ડ સહિતની અન્ય સ્કૂલો પર રાજ્યના શિક્ષણ વિભાગની પકડ હવે વધુ મજબૂત બને તેવી શક્યતાઓ ઊભી થઈ છે. શિક્ષણ બોર્ડની તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં સીબીએસઈ સહિતના અન્ય બોર્ડની સ્કૂલોને દરવર્ષે શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી લેવાનું રહે તે માટેની દરખાસ્તને આખરી મંજૂરી માટે સરકારમાં મોકલવાનો નિર્ણય લીધો છે. અગાઉ જ્યારે રાજ્યમાં અન્ય બોર્ડની સ્કૂલો શરૂ થતી હતી ત્યારે તેમને એક જ વાર એનઓસી લેવામાં આવતું હતું. પરંતુ હવે દરવર્ષે એનઓસી લેવાનો નિયમ અમલમાં આવશે તો અન્ય બોર્ડની સ્કૂલો પર શિક્ષણ વિભાગની પકડ મજબૂત બનશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં નવી સીબીએસઈ તથા અન્ય બોર્ડ સંલગ્ન સ્કૂલ શરૂ કરવામાં આવે ત્યારેતેમણે રાજ્યના શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી લેવાનું હોય છે. જોકે ત્યારબાદ તેઓ પોતાની રીતે ફી નક્કી કરી વસૂલતી હોઈ અનેક વખત વિરોધ ઊભો થાય છે. જોકે આ સ્થિતિમાં આ સ્કૂલો રાજ્યના શિક્ષણ વિભાગના હસ્તક આવતી ન હોઈ તેમની સામે કોઈ કાર્યવાહી કરી શકાતી નથી. જેથી આવી સ્કૂલો પર શિક્ષણ વિભાગની પકડ રહે તે માટેના પ્રયાસો કરાયા હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં મળેલી બોર્ડની સામાન્ય સભામાં અન્ય બોર્ડની સ્કૂલોને રાજ્યના શિક્ષણ વિભાગ પાસેથી દરવર્ષે એનઓસી મેળવવું પડે તેવી દરખાસ્ત આવી હતી. જેને બેઠકે સ્વીકારી આખરી મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલી આપી છે. હવે જો રાજ્ય સરકાર દ્વારા તેની પર મંજૂરીની મહોર મારવામાં આવે તો આવી સ્કૂલોને દરવર્ષે શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી મેળવવાનું રહેશે. જેના લીધે આવી સ્કૂલો પર શિક્ષણ વિભાગની પકડ પણ રહેશે અને એનઓસીની ફીની આવક પણ ઊભી થશે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં અન્ય બોર્ડ સંલગ્ન અંદાજિત ૨૫૦ જેટલી સ્કૂલો આવેલી છે. જેમાંથી ૧૦૦ જેટલી સ્કૂલો તો છેલ્લા પાંચ વર્ષમાં જ સ્થપાઈ છે. આ સ્કૂલો પૈકી ઘણી સ્કૂલો ગુજરાત બોર્ડમાંથી અન્ય બોર્ડમાં ટ્રાન્સફર થઈ હોવાનું પણ જાણવા મળે છે. જોકે આ સ્કૂલો પર શિક્ષણ વિભાગની દખલગીરી થાય તેમ તેઓ ઈચ્છતા નથી. |