પ્રાથમિક શાળામાં શિક્ષકો માટેની ટેટ-૨ની પરીક્ષા ૧૯ જુલાઇએ : ઓનલાઇન ફોર્મનો પ્રારંભગુજરાત રાજયમાં આવેલી રાજયની ઉચ્ચ પ્રાથમિક શાળામાં નોકરી માટે ફરજીયાત એવી ટેટ-૨ની પરીક્ષા ૧૯ જુલાઈએ લેવામાં આવનાર છે. ત્યારે આ પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી આજથી શરૃ કરવામાં આવી છે. ઓનલાઈન ફોર્મ ૧ જુલાઈ સુધી ઓજસ વેબસાઈટ પર ભરવાના રહેશે. તેમજ તેના માટે નક્કી કરેલી ફી ની પહોંચ નજીકની પોસ્ટ ઓફિસમાં ભરવાની રહેશે.
ગુજરાતી માધ્યમની પરીક્ષાનું કેન્દ્ર રાજયના દરેક જિલ્લા મથક રહેશે. જયારે અંગ્રેજી અને હિન્દી માધ્યમની પરીક્ષા અમદાવાદ, વડોદરા, સુરત, અને રાજકોટ કેન્દ્ર પરથી લેવામાં આવશે.રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પહેલા ૪ મેના રોજ ટેટ-૨ની પરીક્ષા માટેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. જો કે ત્યાર બાદ ટેટ-૨ની પરીક્ષા અંગેનો નવો કાર્યક્રમ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે રાજય સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરાતી નથી.

બીજી તરફ સરકાર દ્વારા આ ભરતી માટે ટેટ, ટેટ-૨ જેવી પરીક્ષાઓ ફરજિયાત કરી છે. પરંતુ પરીક્ષા આપ્યા બાદ ખાલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા કરવામાં આવતી નથી. જેને લઈ ઉમેદવારોમાં નારાજગી વ્યાપેલી છે. ત્યારે ચાલુ વર્ષ માટેની ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ટેટ-૨ની પરીક્ષા માટેની જાહેરાત કરી દેવામાં આવી છે.