શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓ પાસે સુવિધાઓ, શિક્ષકો, શૈક્ષણિક સ્‍ટાફ સહિતની માહિતીનો ડેટાબેઝ તૈયાર કરવા માટે પરીપત્ર જાહેર કરેલ પરંતુ આ પરિપત્ર પરત્‍વે શાળાઓમાં ભારે ઉદાસીનતા જોવા મળતા પગલા લેવાઇ રહ્યાનું જાણવા મળે છે.
શિક્ષણ બોર્ડ દ્વારા ડેટા બેઝ મોકલવાના પરિપત્રમાં રાજ્‍યની ૫૦ ટકા શાળા તરફથી કોઇ માહિતી શિક્ષણ બોર્ડને મોકલવામાં આવી નથી. શાળાઓની મનમાની સામે બોર્ડના અધિકારીઓએ રાજ્‍યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને માહિતી ન મોકલનાર શાળાઓના સંચાલકોને નોટીસ પાઠવી ખુલાસો માંગવા સુચના આપી છે. ખુલાસાનો પ્રત્‍યુત્તર ન આપનારી શાળાઓની માહિતી ન મોકલે તો તેમની સાથે શિક્ષાત્‍મક પગલા લેવાનો આદેશ આપ્‍યો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષા લેવામાં આવે છે. પરીક્ષાની કામગીરી સમયસર થઇ શકે અને ઉત્તરવહી ચકાસણીનું કાર્યઝડપથી પૂર્ણ કરવા તમામ માધ્‍યમિક - ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓને ડેટા બેઝ તૈયાર કરવાની કવાયત શિક્ષણ બોર્ડે હાથ ધરી છે.