ગુજરાત યુનિ.માંથી કોલેજો ગુરુ ગોવિંદ યુનિવર્સિટીને ફાળવવાનું જાહેરનામુ આખરે બહાર પડ્યું

ગુજરાત યુનિવર્સિટીમાંથી ૧૩૦ જેટલી કોલેજોને અલગ કરીને બે જુદી જુદી નવી યુનિવર્સિટીઓમાં સામેલ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જો કે, ચાલુ વર્ષે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને નવી યુનિવર્સિટીમાં સામેલ કરવા કે નહીં તે મુદ્દે ભારે દ્વિધાભરી સ્થિતિ ઊભી થઇ હતી. સરકારે નવી યુનિવર્સિટીનું જાહેરનામુ બહાર ન પાડતાં ભારે મુશ્કેલી ઊભી થઇ હતી. પરંતુ આજે સરકારે સત્તાવાર રીતે જાહેરનામુ બહાર પાડી દેતાં હવે આ કોલેજોને યુનિવર્સિટીથી અલગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીમાંથી સમયાંતરે અનેક યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં આવી છે. તાજેતરમાં ૧૩૦ કોલેજોને દૂર કરીને ૮૫ કોલેજોને મધ્ય ગુજરાત એટલે કે ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં જોડી દેવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. બાકીની ૪૫ કોલેજોને સરદાર પટેલ યુનિવર્સિટીમાં સામેલ કરવાની હતી. આ ૪૫ કોલેજોને એસ.પી. યુનિવર્સિટીમાં જોડવા માટે કોઇ મુશ્કેલી નહોતી. પરંતુ ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં હજુસુધી કોઇ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી ગુજરાત યુનિવર્સિટીમાંથી કોલેજોને દૂર કરવી કે નહી તેની દ્વિધા ઊભી થઇ હતી.

સૂત્રો કહે છે હવે સરકારે જાહેરનામુ બહાર પાડીને યુનિવર્સિટીને મોકલી આપ્યું છે. જાહેરનામામાં કરેલી જોગવાઇ પ્રમાણે હવે કોલેજોને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. સૂત્રો કહે છે ચાલુ વર્ષે એટલે કે પહેલા સેમેસ્ટરમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની પરીક્ષા હાલ તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા જ લેવી પડે તેમ છે. એટલે કે આ ૧૩૦ કોલેજોના વિદ્યાર્થીઓની પહેલા સેમેસ્ટરની પરીક્ષા યુનિવર્સિટીએ લેવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મધ્ય ગુજરાત યુનિવર્સિટીની જેમ નવી નરસિંહ મહેતા યુનિવર્સિટી માટે પણ જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યું છે.