પર્સેન્‍ટાઈલનું લીસ્‍ટ રજુ કરવા હાઈકોર્ટે રાજ્‍ય સરકારને આદેશ

ડિગ્રી એન્‍જીનીયરીંગમાં પ્રવેશ માટેની પદ્ધતિ અંગે રાજ્‍ય સરકાર દ્વારા અગાઉ રજુ કરાયેલા બાંહેધરી જવાબમાં વિસંગતતા હોવાની અરજદારો તરફથી રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે જુદા-જુદા બોર્ડના વિદ્યાર્થીઓને અપાયેલા પર્સેન્‍ટાઈલનું લીસ્‍ટ રજુ કરવા હાઈકોર્ટે રાજ્‍ય સરકારને આદેશ કર્યો છે. આવતીકાલે સરકારે આ અંગે એફિડેવીટ રજુ કરવાની રહેશે. ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્‍જીનીયરીંગમાં પ્રવેશ પર્સેન્‍ટાઈલ પદ્ધતિ પ્રમાણે અપાતું હતું જેના કારણે જુદા-જુદા બોર્ડના વિદ્યાર્થીઓને સરખો ન્‍યાય મળતો ન હતો. શિક્ષણ બોર્ડની પર્સેન્‍ટાઈલ પદ્ધતિ સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ હતી જેમાં હાઈકોર્ટે શિક્ષણ બોર્ડની પર્સેન્‍ટાઈલ પદ્ધતિ રદ કરી હતી પણ રાજ્‍ય સરકાર આ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં ગઈ હતી જેમાં સુપ્રિમ કોર્ટે આ વિવાદ મામલે વચ્‍ચેનો માર્ગ કાઢવા જણાવ્‍યું હતું ત્‍યારબાદ રાજ્‍ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં બાંહેધરી આપી હતી કે પર્સેન્‍ટાઈલ પદ્ધતિમાં કોઈ વિદ્યાર્થીને અન્‍યાય નહીં થવા દેવાય પણ રાજ્‍ય સરકારના બાંહેધરી જવાબમાં વિસંગતતાઓ જોવા મળતા અરજદારોએ રજુઆત કરી હતી. અરજદારોએ રજુઆત કરતા જણાવ્‍યું હતું કે બે અલગ અલગ બોર્ડના (જીએસઈબી-સીબીએસઈ) વિદ્યાર્થીઓની સંખ્‍યાના કારણે અન્‍યાય થઈ રહ્યો છે. અરજદારોની રજુઆત સામે ગુજરાત હાઈકોર્ટે ચીફ જસ્‍ટીસની ખંડપીઠે રાજ્‍ય સરકારને જુદા-જુદા બોર્ડના વિદ્યાર્થીઓને અપાયેલા પર્સેન્‍ટાઈલનું લીસ્‍ટ રજુ કરવા ફરમાન કર્યું છે. રાજ્‍ય સરકારે આ અંગે હાઈકોર્ટમાં એફિડેવિટ રજુ કરવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે પર્સેન્‍ટાઈલ પદ્ધતિના કારણે ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળ ભણતા વિદ્યાર્થીઓને ડિગ્રી એન્‍જીનીયરીંગમાં પ્રવેશ મેળવવા અન્‍યાય થતો હતો