હાઈકોર્ટે મુખ્‍ય શિક્ષકોની નિમણુંકમાં ફેરફાર કરવાની સરકારને ફરજ પાડી છે

તમામ જિલ્લા પંચાયત હસ્‍તકની પ્રાથમિક શાળાઓમાં મુખ્‍ય શિક્ષકની નિમણુંકમાં અન્‍યાય થતો હોવાની અરજીના પગલે હાઈકોર્ટે મુખ્‍ય શિક્ષકોની નિમણુંકમાં ફેરફાર કરવાની સરકારને ફરજ પાડી છે ત્‍યારે હવે સરકારે સીધી ભરતી અને બઢતી મેળવેલ શિક્ષકોને સરખા પ્રમાણમાં નિમણુંક આપવામાં આવશે.
   પ્રાપ્ત થતી માહિતી મુજબ જિલ્લા પંચાયત હસ્‍તકની પ્રાથમિક શાળાઓમાં મુખ્‍ય શિક્ષકની નિમણુંકમાં એચ-ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારોની સીધી ભરતી કરવામાં આવતી હતી. જો કે વર્ષોથી ફરજ બજાવતા અને બઢતી મેળવવા લાયક ઉમેદવારોને સનિયોરીટીના હિસાબે મુખ્‍ય શિક્ષક તરીકે નિમણુંક આપવી તેવી માંગ સાથે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેના પગલે હાઈકોર્ટે સીધી ભરતી ઉપર સ્‍ટે મુક્‍યો હતો ત્‍યારબાદ હાઈકોર્ટના સ્‍ટે સામે સીધી ભરતીથી નિમણુંક મેળવેલ શિક્ષકોએ પણ તેમને અન્‍યાય થતો હોવાની ફરીયાદ સાથે હાઈકોર્ટના દવરાજા ખટખટાવ્‍યા હતા. જેના ચુકાદામાં હાઈકોર્ટે બંને પ્રકારના શિક્ષકોને સરખુ વેટેજ આપી મુખ્‍ય શિક્ષક તરીકે નિમણુંક કરવા આદેશ આપ્‍યો હતો. જેના પગલે રાજ્‍યના શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને હાઈકોર્ટના આદેશ મુજબ મુખ્‍ય શિક્ષકોની ભરતી કરવા આદેશ આપ્‍યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્‍યમાં જિલ્લા પંચાયત હસ્‍તકની પ્રાથમિક શાળાઓમાં મુખ્‍ય શિક્ષકની પસંદગી માટે સરકારે ખાસ ગાઈડલાઈન અમલમાં મુકી છે જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્‍યા ૨૫૦થી વધુ હોય ત્‍યાં મુખ્‍ય શિક્ષકની નિમણુંક કરવામાં આવે છે જે અંતર્ગત ગત રવિવારે રાજ્‍યમાં એચ-ટાટની પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્‍યભરમાંથી ૩૦,૦૦૦ ઉમેદવારોએ એચ-ટાટની પરીક્ષા આપી હતી.