ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓક્ટોબરમાં લેવાયેલી સાયન્સની પરીક્ષામાં
તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી અને ટેબલેટ લગાવી પરીક્ષા લેવામાં આવી
હતી. આ પ્રયોગ સફળ થયા બાદ હવે બોર્ડ આગામી માર્ચ-૨૦૧૫ની પરીક્ષામાં તમામ
પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી અને ટેબલેટ લગાવવાનું વિચારણા હાથ ધરવામાં
આવી છે. બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક મળી હતી, જેમાં ટેબલેટ અને સીસીટીવી
લગાવવાથી વિદ્યાર્થીઓનું દબાણ હળવું થયું હોવાનો મત વ્યક્ત કરાયો હતો.
બોર્ડ દ્વારા પરીક્ષા માટે પાંચ વર્ષમાં જે કામચલાઉ કેન્દ્રો આપવામાં
આવ્યા છે તેને કાયમી કેન્દ્ર તરીકે માન્યતા આપતા પહેલા સ્કુલમાં
સીસીટીવી લગાવવાનું ફરજીયાત બનાવવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક બોર્ડના અધ્યક્ષની
આગેવાનીમાં તાજેતરમાં મળી હતી. જેમાં પરીક્ષાને લગતા વિવિધ મુદ્દાઓ અંગે
ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. બોર્ડની ઓક્ટોબરમાં લેવામાં
આવેલી સાયન્સ પ્રથમ અને ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં રાજ્યના તમામ
પરીક્ષા સ્થળો પર સીસીટીવી અને ટેબલેટ લગાવવામાં આવ્યા હતા. બોર્ડના આ
પ્રયાસની પરીક્ષા સમિતિની બેઠકમાં સૌએ પ્રશંસા કરી હતી અને તેના પરિણામોથી
ખુશી વ્યક્ત કરી હતી. બોર્ડની આ બાબતને ધ્યાનમાં લઈને આગામી
માર્ચ-૨૦૧૫માં લેવામાં આવનારી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષામાં તમામ સ્થળોએ
સીસીટીવી અને ટેબલેટ લગાવવાની વિચારણા હાથ ધરાઈ હતી. આ મુદ્દે બોર્ડના
સભ્યોએ પણ હકારાત્મક વલણ અપનાવતા આગામી પરીક્ષામાં સીસીટીવી અને ટેબલેટ
લગાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે. ઉપરાંત બોર્ડ દ્વારા
છેલ્લા પાંચ વર્ષમાં જે સ્કુલોને કામચલાઉ પરીક્ષા કેન્દ્રો આપવામાં
આવ્યા છે તેમને કાયમી કેન્દ્ર તરીકે માન્યતા આપતા પહેલા સીસીટીવી
નાંખવાનું ફરજીયાત બનાવવામાં આવશે. આ ઉપરાંત ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની
પ્રાયોગિક પરીક્ષા અંગે બોર્ડ દ્વારા વિજ્ઞાન શિક્ષકોને તાલીમ સુસજ્જતા
ચકાસણી માટે શાળાઓની આકસ્મિક મુલાકાત લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જેથી પરીક્ષા દરમ્યાન ગુલ્લી મારનારા શિક્ષકો સામે કાર્યવાહી કરી શકાશે.
ઉપરાંત વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક ર્વાષિક પરીક્ષા વખતે આ પરક્ષા બરાબર
લેવાય છે કે કેમ તે માટે બોર્ડ દ્વારા નિરીક્ષકો મોકલવાનું નક્કી કરાયું
છે. ઉપરાંત બોર્ડની કામગીરીનું કેલેન્ડર બનાવવા અંગે તેમજ ધોરણ-૧૦ અને
૧૨ના ઓનલાઈન ફોર્મ ભરવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.