રાજ્યમાં નવી પ્રાથમિક સ્કૂલો શરૂ કરવા માટે હાથ ધરાયેલી સેટેલાઈટ મેપિંગ સિસ્ટમના પગલે ૨૫ સ્થળો આઈડેન્ટિફાઈ કરાયા હતા. જ્યાં નવી સ્કૂલો શરૂ કરવાની જરૂરિયાત હતી. જેથી આ સ્થળોએ નવી સ્કૂલો શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં ઉપલબ્ધ સ્કૂલોના અંતરના આધારે સેટેલાઈટની મદદથી સ્કૂલ મેપિંગ કરવામાં આવે છે અને જ્યાં નજીકમાં સ્કૂલ ન હોય તેવા સ્થળો શોધી નવી સ્કૂલો શરૂ કરવામાં આવે છે. આ માટે શિક્ષણ વિભાગ દ્વારા જ્યોગ્રોફિક ઈન્ફર્મેશન સિસ્ટમ સ્કૂલ મેપિંગ એક્સેસાઈઝ હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં દરેક ગામડાઓને સ્કૂલોથી આવરી લેવાય અને વિદ્યાર્થીઓને નજીકમાં જ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્પેશ એપ્લિકેશન એન્ડ જીઓઈન્ફોર્મેટિક્સ (બાયસેગ)ની મદદથી જ્યોગ્રોફિક ઈન્ફર્મેશન સિસ્ટમ (GIS) સ્કૂલ મેપિંગ શરૂ કરવામાં આવેલી છે. આ સિસ્ટમમાં સેટેલાઈટના માધ્યમથી રાજ્યના તમામ વિસ્તારનું મેપિંગ કરી જ્યાં સ્કૂલોની જરૂરિયાત હોય તે વિસ્તારને અલગ તારવવામાં આવે છે. જેથી શિક્ષણ વિભાગ દ્વારા તે વિસ્તારમાં નવી સ્કૂલ શરૂ કરવાની કામગીરી કરી શકે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં પ્રાઈમરીમાં ત્રણ કિ.મી.ના ક્રાઈટેરિયામાં કોઈ સ્કૂલ ન હોય તો તેવા વિસ્તારની પસંદગી કરી સ્કૂલો શરૂ કરવામાં આવી રહી છે. આ માટે તાજેતરમાં GIS સ્કૂલ મેપિંગ એક્સેસાઈઝ હાથ ધરવામાં આવી હતી. આ એક્સેસાઈઝ દરમિયાન શિક્ષણ વિભાગને એવા ૨૫ સ્થળો મળ્યા હતા કે જ્યાં નિયત ક્રાઈટેરિયામાં કોઈ પ્રાથમિક સ્કૂલ ઉપલબ્ધ ન હતી. જેથી આ વિસ્તારમાં સ્કૂલ શરૂ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી અને તે વિસ્તારોમાં ૨૫ જેટલી સ્કૂલો શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

મોટાભાગે રાજ્યના ગામડાઓમાં વિદ્યાર્થીઓને દૂરના સ્થળે અભ્યાસ માટે જવાની ફરજ પડે છે અને તેના લીધે ઘણા વિદ્યાર્થીઓ પ્રાઈમરી પૂર્ણ કર્યા બાદ અપર પ્રાઈમરી માટે દૂર જવું ન પડે તેથી સ્કૂલનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દેતા હતા. જોકે આવા વિદ્યાર્થીઓ પણ પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે તે માટે સ્કૂલ મેપિંગ સિસ્ટમની મદદથી વિસ્તાર આઈડેન્ટિફાઈ કરી ત્યાં સ્કૂલો શરૂ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં સ્કૂલ મેપિંગમાં કિ.મી.નો ક્રાઈટેરિયા ઘટાડી વધુ સ્કૂલો શરૂ કરવાની કવાયત હાથ ધરાય તેવી શક્યતાઓ પણ સૂત્રોએ વ્યક્ત કરી હતી.