વિદ્યાર્થી ધર્મ પરિવર્તન કરે તો પણ તેના સ્કૂલ લિવિંગ સર્ટિ.માં સુધારો નહીં થાય
શિક્ષણ બોર્ડની કારોબારીની બેઠકમાં ધર્મ પરિવર્તન અંગેનો પ્રસ્તાવ નામંજૂર
નવગુજરાત સમય > ગાંધીનગર

-- શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં ધર્મ પરિવર્તનને લગતા મુદ્દા અંગેનો પ્રસ્તાવ બોર્ડ સભ્ય દ્વારા મુકાયો હતો. જોકે શુક્રવારે મળેલી બોર્ડની કારોબારી સમિતિની બેઠકમાં આ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. જેથી હવે આગામી સામાન્ય સભામાં આ પ્રસ્તાવ પર કોઈ પણ જાતની ચર્ચા કરવામાં આવશે નહીં. સ્કૂલ લિવિંગ સર્ટીમાં સુધારો કરવા માટે બંધારણમાં ફેરફાર કરવો પડે અને તે પ્રક્રિયા ખુબ જ લાંબી હોઈ કારોબારી સમિતિએ પ્રસ્તાવને નામંજૂર કર્યો હતો.

શુક્રવારે ગાંધીનગર સ્થિત શિક્ષણ બોર્ડની કચેરી ખાતે કારોબારી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી વર્ષના સુચિત બજેટ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત અન્ય વહીવટી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જ્યારે પાંચ જાન્યુઆરીના રોજ મળનારી બોર્ડની સામાન્ય સભામાં બોર્ડ સભ્યો દ્વારા મૂકવામાં આવેલા પ્રસ્તાવને પણ મંજૂર કે નામંજૂર કરવા અંગેની કામગીરી કારોબારી સમિતીમાં કરવામાં આવી હતી.

બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટ દ્વારા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં એક વાર જાતિ અને ધર્મનો ઉલ્લેખ કરાયા બાદ તેમાં ફેરફાર કરી શકાતો ન હોઈ ધર્મ પરિવર્તન કરીને આવેલા લોકોને મુશ્કેલી પડતી હોવાનો મુદ્દો ઉપસ્થિત કરી સ્કૂલ લિવિંગ સર્ટિફીકેટમાં સુધારો કરવામાં આવે તેવો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારથી જ તે વિવાદમાં રહ્યો હતો અને વિવાદિત પ્રસ્તાવ પર કારોબારી સમિતિમાં ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમ્યાન આ પ્રસ્તાવને નામંજૂર કરવાનું નક્કી કરાયું હતું. બોર્ડના બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયેલો હોવાના લીધે વિદ્યાર્થી સ્કૂલ છોડ્યા બાદ તેના સ્કૂલ લિવિંગ સર્ટીમાં કોઈ પણ જાતને ફેરફાર થઈ શકે તેમ નહોવાનું જણાવેલું છે. જેથી આ પ્રસ્તાવને મંજૂર કરવામાં આવે તો બોર્ડના બંધારણમાં ફેરફાર કરવો પડે તો જ પ્રસ્તાવ મંજૂર કરી શકાય તેમ હતો. ઉપરાંત બંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા પણ ખુબ જ લાંબી હોવાના લીધે કારોબારી સમિતિએ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.