કોઈપણ મુશ્કેલી આવે તો તેનાથી ડરીને ભાગવું નહીં

સ્વામી વિવેકાનંદના જીવનમાં બનેલો એક પ્રસંગ છે. તેઓ એકવાર દુર્ગામંદિર પાસે ગંગાને કિનારે ફરતા હતા ત્યારે તેમની પાછળ વાંદરા પડ્યા. એટલે તેઓ ખૂબ ઝડપથી દોડવા લાગ્યા. જેમ જેમ તેઓ ઝડપથી દોડવા લાગ્યા, તેમ તેમ તેમની પાછળ વાંદરા પણ ઝડપથી દોડવા લાગ્યા. દૂર ઊભેલા એક વૃદ્ધ સંન્યાસીએ આ દૃશ્ય જોયું અને બૂમ પાડી કહ્યું, ‘સાધુ, ભાગો મત. ડટે રહો.’ સ્વામી વિવેકાનંદ આ સાંભળ્યું અને તેઓ વાંદરાઓની સામે મુખ કરીને સ્થિરપણે ઊભા રહ્યા. એમના આશ્ચર્ય વચ્ચે વાંદરાઓનું ટોળું પણ તેમની સામે ઊભું રહી ગયું. પછી વાંદરાઓ એક એક કરીને ભાગી ગયા. સ્વામી વિવેકાનંદ લખે છે કે ‘આ અનુભવે મને જીવનમાં મહત્ત્વનો પાઠ શીખવ્યો કે કોઈપણ મુશ્કેલી આવે તો તેનાથી ડરીને ભાગવું નહીં, પણ હિંમતપૂર્વક તેની સામે થવું.’ ખરેખર મુશ્કેલીઓની સામે જેઓ અડગ રહી શકે છે, તેમની સામે મુશ્કેલીઓનું જોર ઓછું થઈ જાય છે.

જ્યારે જીવનમાં વિષમમાં વિષમ પરિસ્થિતિ આવે, ત્યારે ભાંગી પડવા કરતાં એ યાદ રાખવું જોઈએ કે ‘આ પણ જશે.’ આ સંદર્ભમાં એક વાર્તા છે. એક રાજાએ તેને ત્યાં આવેલા સાધુ મહાત્માની ખૂબ સેવા કરી. તેથી પ્રસન્ન થઈને મહાત્માએ તેને કહ્યું ‘લે આ તાવીજ. તારી ડોકમાં પહેરી રાખજે અને જ્યારે તું ખૂબ મુશ્કેલીમાં હો ત્યારે અને જ્યારે તું ખૂબ આનંદમાં હો ત્યારે આ તાવીજ ખોલીને વાંચજે. તેમાં મારો સંદેશ છે. એ તને જીવનમાં ખૂબ કામ લાગશે.’

રાજાએ મહાત્માની પ્રસાદી માનીને એ તાવીજનો સ્વીકાર કર્યો, પોતાના ગળામાં એ પહેરી લીધું. એ વાતને ઘણો સમય વીતી ગયો. હવે બીજા રાજ્યના રાજાએ તેના રાજ્ય ઉપર હુમલો કર્યો અને તેને હરાવીને તેનું રાજ્ય લઈ લીધું. તેને પકડીને કેદ કરી લેવાની તૈયારી કરતા હતા, પણ તે રાજમહેલના ગુપ્ત દ્વારેથી જીવ બચાવીને ભાગ્યો. રાત્રિના અંધકારમાં લપાતો-છૂપાતો એક ગાઢ જંગલમાં આવી પહોંચ્યો પણ તેને હવે બધું જ ગુમાવી દીધું હતું. તે નિરાશ થઈને આત્મહત્યા કરવા જતો હતો, ત્યાં તેને મહાત્માના શબ્દો યાદ આવ્યા, ‘ખૂબ દુ:ખમાં હો ત્યારે મારો સંદેશો વાંચજે.’ તેણે તાવીજ ખોલ્યું. તેમાં બે માદળિયાં હતાં. એકમાં લખ્યું હતું, ‘અતિશય દુ:ખની વેળાએ.’ બીજામાં લખ્યું હતું, ‘અતિશય સુખની વેળાએ.’ રાજાએ દુ:ખના સંદેશ માટે તાવીજ ખોલ્યું. તેમાં એક ચબરખીમાં લખ્યું હતું, ‘આ સમય પણ જશે.’ મહાત્માના આ સંદેશા ઉપર રાજાએ વિચાર કર્યો અને તે આત્મહત્યાના માર્ગેથી પાછો કરી ગયો. પછી જંગલમાં ગુપ્ત રીતે રહીને તેણે પોતાના વિશ્વાસુ માણસોને ભેગા કર્યા. આક્રમણ કરી પોતાનું જ નહીં, પણ એ રાજાનું રાજ્ય પણ મેળવી લીધું. ફરી સુખના દિવસો આવી ગયા. જ્યારે તે અતિશય આનંદમાં હતો, ત્યારે એણે સાધુ મહાત્મા યાદ આવી ગયા. એને આનંદના સમયનો સંદેશો વાંચવા ફરી તાવીજ ખોલી માદળિયું કાઢ્યું તો તેમાં પણ એ જ સંદેશો હતો, ‘આ સમય પણ જશે’ રાજાને પહેલાં તો આશ્ચર્ય થયું પણ પછી ઊંડું ચિંતન કરતાં એને સમજાયું કે સુખ અને દુ:ખ બંનેમાં મનુષ્યે સમતા રાખવી જોઈએ. (રામકૃષ્ણ આશ્રમ)