પરિમલ નથવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાની, રાજ્યનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્રો લખીને આ માગણી પ્રત્યે ધ્યાન આપી અમલ કરાવવા વિનંતી કરી છે.

કેન્દ્ર સરકારે રાઇટ ટુ એજ્યુકેશન તથા સર્વ શિક્ષા અભિયાન વગેરે યોજનાઓ અમલમાં મૂકી છે છતાં પણ શાળાકીય શિક્ષણ મોંઘુ થતું જઈ રહ્યું છે. જેના લીધે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કેન્દ્ર તથા રાજ્ય સરકારને સમગ્ર દેશમાં ધોરણ-૧૨ સુધીનો શાળાકીય શિક્ષણ સંપૂર્ણ રીતે નિ:શુલ્ક બનાવવા રજૂઆત કરી છે. આ પગલાંથી સરકાર પર બોજ વધશે પરંતુ સાથોસાથે ‘પહોંચતા વર્ગ’ અને ‘વંચિતોના વર્ગ’ વચ્ચેનું અંતર ઘટશે. આ મુદ્દાને તેઓ સંસદમાં પણ રજૂ કરવાનું આયોજન કરી રહ્યા છે.

પરિમલ નથવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાની, રાજ્યનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્રો લખીને આ માગણી પ્રત્યે ધ્યાન આપી અમલ કરાવવા વિનંતી કરી છે. પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં દેશમાં ધોરણ-૮ સુધીનું શિક્ષણ મફત બનાવાયું છે, તેમ છતાં શાળા સુધી પહોંચવા ઘણા બાળકોને કેડ સમા પાણી ઓળંગવા પડે છે. ડુંગરા-ટેકરા ચઢવા પડે છે અને અનેક કિલોમીટરનું અંતર પગપાળા કાપવું પડે છે. આવા સંજોગોમાં પાઠ્યપુસ્તકની અછત તથા પ્રિન્ટિંગ ભૂલો વગેરેની તો વાત જ ક્યાં કરવી/

સમાજમાં સન્માનજનક સામાજિક દરજ્જો મેળવવા માટે ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રથમ પગથિયું છે. ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ મેળવી વિદ્યાર્થી કોઈક પ્રકારનું કૌશલ મેળવી પરિવારને આર્થિક ટેકો પૂરો પાડવા સાથે પોતાનો ઉચ્ચ અભ્યાસનો ખર્ચ કાઢી શકે છે. જેથી સરકારે ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ નિ:શુલ્ક કરવો જોઈએ. સરકાર ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધીના સમગ્ર શાળાકીય શિક્ષણને મફત બનાવે, જેથી વિદ્યાર્થીઓ વ્યવસાયલક્ષી કે રોજગારલક્ષી કોર્સ પસંદ કરી શકે, તેમ પત્રમાં જણાવ્યું હતું.