કેળવણીના કિનારે : -ડો. અશોક પટેલ
બોર્ડની પરીક્ષા દર વર્ષે આવે છે અને જાય છે. આ પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થી અને વાલી બંને પરીક્ષાર્થીઓ બની જતાં જોવા મળે છે. બંનેનાં તન અને મન અસ્વસ્થ થતાં જોવા મળે છે. નવા નવા મનોવિજ્ઞાાનીઓ પણ વ્યસ્તતા અનુભવે છે. આ અંગે ચર્ચા, ચિંતન અને ચિંતા સમાજને બાથ ભરી લે છે, સરકાર અને શાળાઓ પણ નવા નવા વ્યૂહ સાથે પરીક્ષા શાંતિથી પૂરી થાય તે માટેના પ્રત્યનોમાં મચી પડે છે. પરીક્ષા સાથે સંકળાયેલ તમામ બાબતોને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે. પરિણામ સ્વરૂપ પરીક્ષા સાથે સંકળાયેલ તમામ માનવ પરિબળો પણ તનાવમાં જ દરેક ક્ષણ પસાર કરે છે, જેમાં મોટી ઉંમર ધરાવનાર અનુભવી વ્યક્તિઓ તો ક્યારેક અનુકૂલન સાધીને તનાવમાંથી બહાર આવી જાય છે પણ બાપડા-બિચારાં બની ગયેલાં, જીવનનાં લક્ષ્ય સુધી પહોંચવાના માર્ગ પરની પ્રથમ પગલી ભરતાં બાળકોની ચિંતા કંઈક જુદા જ પ્રકારની અને જુદા જ પ્રમાણમાં હોય છે. નબળા અને હોશિયાર વિદ્યાર્થીની સમસ્યા-ચિંતા પણ જુદા જ પ્રકારની હોય, માટે જ વાલી અને વિદ્યાર્થીએ ચિંતામાંથી કે સમસ્યામાંથી મુક્તિ મેળવવા યોગ્ય સલાહકારની પસંદગી કરવી જોઈએ.
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ વિવિધ રીતે અને વિવિધ પ્રમાણમાં ચિંતાતુર જોવા મળે છે. પરીક્ષાના દિવસે સવારની ચિંતા પ્રશ્નપત્ર કેવું હશે તેની થાય છે. માનવ સહજ સ્વભાવ મોટાભાગે નકારાત્મક હોય છે તેમ મારી અંગત માન્યતા છે. આ માન્યતાનો આશરો લઈએ તો વિદ્યાર્થી મોટાભાગે એવું નથી વિચારતો કે પ્રશ્નપત્ર સરળ હશે, પરંતુ મોટાભાગે એવું જ વિચારે છે કે પ્રશ્નપત્ર અઘરું હશે તો? આ નકારાત્મક વિચારસરણી જ તેનાં આવડત અને આત્મવિશ્વાસને ડગાવી દે, જેનું પરિણામ નકારાત્મક આવે છે . ખરેખર પરીક્ષાના દિવસોમાં જ નહીં પણ જીવનના દરેક દિવસે હકારાત્મક વિચારસરણી રાખીને ક્ષણો પસાર કરવાથી દરેક ક્ષણ આનંદિત બને છે, જેમાં કરવામાં આવતું કામ પૂરી લગન, શ્રદ્ધા અને આત્મવિશ્વાસ સાથે થાય છે, જેનું પરિણામ પણ હકારાત્મક જ મળે છે, તો પછી પરીક્ષાના દિવસો દરમિયાન નકારાત્મક વિચારો છોડો.
પરીક્ષા દરમિયાન ભૂલી જવાની જે ફરિયાદો સાંભળવા મળે છે તેની પાછળનું મુખ્ય કારણ વધુ પડતા નકારાત્મક વિચારો, જેને આપણે ચિંતા કે માનસિક દબાણ તરીકે પણ સાધારણ રીતે ઓળખી શકીએ, માટે જ વાલી અને કુટુંબના સભ્યોની મુખ્ય ફરજ વિદ્યાર્થીને શારીરિક અને માનસિક રીતે ખુશ રાખવાની હોવી જોઈએ. આ ખુશી તેને હકારાત્મક વિચારો અપાવશે અને પરિણામે ચિંતા, તનાવ વગેરે દૂર થશે.
આજના સ્પર્ધાત્મક યુગે દરેક માનવીને સ્પર્ધાત્મક બનાવી દીધો છે, જેની અસર હજુ તો ઊગીને સરખાં ઊભા રહેવાનું શીખતા અપરિપક્વ વિદ્યાર્થીને પણ સ્પર્ધાત્મક બનાવી દીધો છે. ઘણા વિદ્યાર્થીઓની અપેક્ષા પોતાના સાથી મિત્રો કરતાં વધુ પરિણામ મેળવવાની હોય છે, આવા સંજોગોમાં ક્યારેક પોતાનું પેપર ખરાબ ગયું હોય કે મિત્રનું પેપર વધુ સારું ગયું હોય તો પણ વિદ્યાર્થી પોતે ઇર્ષ્યાભાવને કારણે તનાવ અનુભવે છે. આવી પરિસ્થિતિમાં દરેક વિદ્યાર્થીએ પોતાનો જ વિચાર કરવાનો છે. બીજાનું પેપર સારું જાય કે ખરાબ તેની નોંધ લેવાની જરૂર નથી, આવા સંજોગોમાં વાલીઓ પણ બીજા વિદ્યાર્થીનાં ઉદાહરણ આપીને પોતાનાં બાળકને ખખડાવતાં હોય છે અથવા તો ઉશ્કેરતાં હોય છે. ધોરણ દસ નાપાસ મમ્મી-પપ્પા ધોરણ બારમા અભ્યાસ કરતા વિદ્યાર્થીને સલાહ આપતાં હોય છે કે કેવી રીતે વધારે પરિણામ મેળવી શકાય? મમ્મી-પપ્પાના ભય-ડર કે ગુસ્સાને કારણે ક્યારેક વિદ્યાર્થી ખોટું પણ બોલતા હોય છે. પેપર ખરાબ ગયું હોય કે અપેક્ષાથી વિરુદ્ધ કશુંક બન્યું હોય તો વિદ્યાર્થીઓ છુપાવતા હોય છે, પરિણામે તેઓ મનોમન અપરાધભાવ અનુભવતા હોય છે, આવી પરિસ્થિતિ પણ વિદ્યાર્થીને વધુ તનાવ-ભય દબાણમાં લાવી દે છે, માટે જ દરેક વાલીએ પોતાના બાળક પાસે શક્તિ જેટલી જ અપેક્ષા રાખવી જોઈએ અને અપેક્ષા ન સંતોષાય તો યોગ્ય ભાષા-શબ્દોની તેની સાથે ચર્ચા કરવી જોઈએ. અંધશ્રદ્ધામાં માનતાં મમ્મી-પપ્પાએ દબાણ કરીને પોતાનાં બાળકને તે તરફ વાળવો ન જોઈએ. દહીં-ગોળ ખવડાવીને મોકલવો કે ભગવાનનું નામ લઈને જ પ્રશ્નપત્ર હાથમાં પકડવું વગેરે.
પરીક્ષાખંડમાંથી બહાર નીકળતા વિદ્યાર્થીને વાલીનો પ્રથમ પ્રશ્ન એ જ હોય છે કે, પેપર કેવું ગયું? જો પેપર નબળું ગયું હોય અને વિદ્યાર્થી સાચું જણાવે તો વાલી ત્યાં જ તેને ખખડાવી નાખે છે. "જોયું અમે કહેતાં હતાં વાંચો,લખો પણ અમારું કોને માનવું છે. ના, ના, રખડી ખાધું આખું વર્ષ. પછી પેપર ખરાબ જ જાય ને? જોયું પેલા છોકરાનું પેપર કેટલું સરસ ગયું. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરા." ઘણીવાર કોઈ વિદ્યાર્થીએ ધાર્યા કરતાં સારું કામ કરી બતાવ્યું હોય કે પરિણામ સારું લાવવાની પૂરી સંભાવના હોય ત્યારે જો તેને વાલી કે મિત્રો તરફથી પ્રોત્સાહન ન મળે તો પણ તેનામાં ક્યારેક હતાશા આવી જાય છે. ઉપરોકત વાતનો સાર એટલો જ કે, વિદ્યાથી મિત્રો, ખોટા ભયથી પીડાશો નહીં અને વાલી મિત્રો પીડા આપશો નહીં. વાસ્તવિકતાનો સ્વીકાર કરવો. જીવનમાં હજારો પરીક્ષા આપવાની થશે, દરેક પરીક્ષાને ગંભીરતાથી લો પણ ગીતામાં જણાવ્યા મુજબ પરિણામની ચિંતા ન કરો.