ખાનગી સ્કૂલની નોકરી માટે ‘ટાટ’ આપનારને સરકારી
નોકરી નહીંં
|
સરકારના ગોટાળા વાળા નિયમોથી હજારો
ઉમેદવારો સરકારી નોકરીથી વંચિત
નવગુજરાત સમય > ગાંધીનગર -- રાજ્યમાં શિક્ષક બનવા થનગની રહેલા હજારો ઉમેદવારોને અસર કરતા એક ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, ૨૦૧૧માં સરકારે કાયદામાં કરેલા સુધારાના આધારે અનુદાન મેળવતી શાળાઓ માટે Teachers Aptitude Test (TAT) આપનાર ઉમેદવારોને સરકારી શાળાઓમાં શિક્ષકોની નોકરી માટે ઉમેદવારી કરવાનો લાભ મળી શકશે નહીં. સરકારે શિક્ષકોની ભરતી માટેની પરીક્ષાના નિયમોમાં કરેલા ગરબડ ગોટાળાના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને હવે નવેસરથી પરીક્ષા આપવી પડે તેવી સ્થિતિ છે. કેસની વિગતો મુજબ રાજ્ય સરકારે સેકન્ડરી એજ્યુકેશન એક્ટની કલમ-૩૫માં ફેરફાર લાવીને ઠરાવ્યું હતું કે સરકારના અનુદાનથી ચાલતી ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જો શિક્ષકોની ભરતી કરવી હશે તો TATની પરીક્ષા આપવાની રહેશે. અગાઉ નિયમો એવા હતા કે દરેક અનુદાન મેળવતી શાળાઓના ટ્રસ્ટીઓની કમિટી દ્વારા રાજ્ય સરકારની મંજૂરી મેળવીને તેમની રીતે શિક્ષકોની ભરતી કરાતી હતી. પરંતુ હવે ભરતી સરકાર હસ્તક હોવાથી TATની પરીક્ષા આપવી ફરજિયાત હતી અને ૨૦૧૧માં યોજાયેલી પરિક્ષામાં ઉમેદવારોએ હાજરી આપી હતી. ત્યારબાદ એપ્રિલ, ૨૦૧૨માં રાજ્ય સરકાર એવો નિયમ લાવી કે રાજ્ય સરકાર હસ્તકની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ TATની પરીક્ષા આપનાર અને તેમાં ઊંચા મેરિટ ઉપર આવનાર ઉમેદવારોને શિક્ષક તરીકે નોકરી અપાશે. ત્યારબાદ મે, ૨૦૧૨માં પરીક્ષા યોજાઇ હતી. આ બન્ને પરીક્ષામાં આશરે ૮૫ હજાર વિદ્યાર્થીઓ બેઠા હતા અને ઉત્તીર્ણ થયેલા હજારો ઉમેદવારોને નોકરી અપાઇ હતી. ત્યારબાદ ૨૦૧૪માં TATની પરીક્ષાઓ યોજાઇ હતી અને તેમાં પણ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. રાજ્ય સરકારે ૧૭ જુલાઇ, ૨૦૧૪ના રોજ સરકારી શાળાઓમાં ૧૩૦૫ શિક્ષકોની ભરતી કરવા માટે જાહેરાત આપી હતી. તેમાં નક્કી કરાયું હતું કે ૨૦૧૧ બાદ જેમણે પણ TATની પરીક્ષા આપી હોય તેમને બીજી વખત પરીક્ષા આપવાની રહેશે નહીં અને છેલ્લી TATની પરીક્ષાઓ આપનાર વિદ્યાર્થીઓનું અને ૨૦૧૧ અને ૨૦૧૨માં પરીક્ષા આપનાર ઉમેદવારોમાં જેમને વધારે ગુણાંક હશે તેમને નોકરી અપાશે. જ્યારે અગાઉ પરીક્ષા આપનાર ઉમેદવારને બીજી વખત પરીક્ષા આપવી હોય તો આપી શકશે પરંતુ તેમનું મેરિટ તેમણે આપેલી બન્ને પરીક્ષાની એવરેજના આધારે નક્કી કરાશે. આ નિયમના આધારે એક કોમન મેરિટ લિસ્ટ બનાવાયું હતું. તેને ૨૦૧૪માં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ પડકાર્યુ હતું. વિદ્યાર્થીઓએ એવી રજૂઆત કરી હતી કે, ૨૦૧૧ના નિયમોના આધારે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની ભરતી માત્ર અનુદાન મેળવતી શાળાઓમાં જ થઇ શકે સરકારી શાળાઓમાં નહીં. સરકારે ૨૦૧૨માં સરકારી શાળાઓ માટેનો અલગ કાયદો બનાવ્યો હોવાથી સરકારી શાળાઓના નિયમોના આધારે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ જ નોકરી મેળવવા માયે લાયક છે. બીજી બાજુ ૨૦૧૧ના નિયમોના આધારે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ પણ પોતાને નોકરી મળવી જોઇએ તેવી પિટિશન કરી હતી. અંતે હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, ૨૦૧૪ની ભરતીમાં ૨૦૧૧ના નિયમો એટલે કે ખાનગી ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકની નોકરી માટે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને કોમન મેરિટમાંથી દુર કરવા. આમ રાજ્ય સરકારની શિક્ષકોની એક સરખી પરીક્ષામાં ખાનગી અને સરકારી શાળાઓમાં અલગ નિયમો બનાવ્યા અને પાછળથી તેને એક સરખા કરવાના બદલે અલગ અલગ રાખવાના કરાણે હજારો વિદ્યાર્થીઓને હવે નવેસરથી પરીક્ષા આપવી પડશે અને હાલમાં નોકરી મળશે નહીં. મામલો સુપ્રીમ કોર્ટ પહોંચે તેવી શક્યતા છે. |