PF ખાતામાંથી ઓનલાઈન રૂપિયા ઉપાડી શકાશે
|
સુવિધા 50થી વધુ સભ્યો ધરાવતી સંસ્થાઓ ડિજિટલ સર્ટિફિકેટ નહિ લે તો કાયદાકીય પગલાં લેવાશે નવગુજરાત સમય > અમદાવાદ -- ખાતેદારો પ્રોવિડન્ટ ફંડના જૂના એકાઉન્ટમાંથી નવા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી શકે, માસિક બેલેન્સ ખાતામાં ચેક કરી શકે, ક્રેડિટ મેળવી શકે તે માટે એમ્પલોયી પ્રોવિડન્ટ ફંડ ઑફિસે ફરજિયાત બનાવેલા યુુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) મેળવવા માટે ખાતેદારોમાં જાગૃતિ આવે તે માટે પીએફ ઑફિસે ન માત્ર ડ્રાઈવ શરૂ કરી છે પરંતુ આ નંબર મેળવવામાં આળસ કરનારા ખાતેદારો સામે કાયદાકીય પગલા ભરવાનું પણ નક્કી કર્યું છે. તમામ ખાતેદારો પાસે યુનિવર્સલ એકાઉન્ટ નંબર આવી જાય ત્યારબાદ મોબાઈલ એપ્લિકેશન કે ઓનલાઈન પીએફના ખાતામાંથી રૂપિયા ઉપાડી શકાશે તેવી વ્યવસ્થા પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. પીએફ ઑફિસે ડ્રાઈવ શરૂ કરી હોવાને પગલે હાલ સુધી અમદાવાદમાંથી 1.07 લાખ ખાતેદારોએ યુનિવર્સલ એકાઉન્ટ નંબર મેળવી લીધો છે. આ ઉપરાંત 51,815 જેટલા ખાતેદારોએ પોતાનો આધાર નંબર પીએફ ઑફિસમાં આપ્યો છે. પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં ખાતેદારો યુએએન નંબર મેળવવામાંથી વંચિત રહી ગયા છે. યુએએન નંબર આપવાની અને આધારકાર્ડથી ખાતા લિંક કરવાની પ્રક્રિયાને વેગ આપવા માટે અમદાવાદની પીએફ ઑફિસો સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઇપીએફઓના કમિશનર ડી.રેમીએ જણાવ્યું હતું કે, હાલં 7800 માલિકો જ ફોર્મ 5એ ભરે છે જ્યારે કુલ સંખ્યા 13,000 જેટલી છે. અર્થાત્ હજુ પણ 5500થી વધુ માલિકો ફોર્મ 5એના રિટર્ન ફાઈલ કરતા નથી. આ રિટર્ન ફાઈલ ન કરનારા માલિકો સામે પી.એફ કચેરી કડક કાર્યવાહી કરશે. આ ઉપરાંત માલિકો કર્મચારીઓના એકાઉન્ટમાં નેટ બેન્કિંગની મદદથી પીએફની રકમ જમા કરાવે તેવી સુવિધા ટૂંક સમયમાં શરૂ થશે. |