ગ્રાન્ટ ઇન એઇડ શાળાના ફાજલ શિક્ષકોને સરકાર રક્ષણ આપશે
શિક્ષણ રાજ્યપ્રધાન નાનુ વાનાણીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘સરકારી શાળાઓમાં કોઇ શિક્ષક ફાજલ થતો હોતો નથી. ગ્રાન્ટ ઇન એઇડમાં સરકારની નીતિના કારણે કોઇ શિક્ષક ફાજલ થતો હોય તો તેને રક્ષણ આપવામાં આવે છે. પરંતુ એવા અનેક કારણો હોય છે તેમાં ક્યારેક શિક્ષકને પંદર વીસ વર્ષની શિક્ષક તરીકેની કારકિર્દી પછી ફાજલ થવુ પડે એ પરિસ્થિતિ ઘણી મુશ્કેલ ભરી હોય છે. આ મુદ્દે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ સમક્ષ થયો હતો ત્યારે તેમણે સહાનુભૂતિપૂર્વક વિચારવા માટે શિક્ષણ વિભાગને સૂચવ્યું હતું.
એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે, હાલ જે શિક્ષકોનો પ્રશ્ન છે એમાં સરકારની નીતિ કારણભૂત નથી, પરંતુ ગ્રાન્ટ ઇન એઇડમાં વિદ્યાર્થીઓ ઘટવાથી વર્ગ ખંડ ઘટાડવા પડે તેના લીધે શિક્ષકો ફાજલ થતાં હોય છે. શાળાનું પરિણામ નબળું આવે ત્યારે પણ આવા પગલાં લેવાતા હોય છે. આ સંજોગોમાં ટાટ અને એલિજિબલ શિક્ષકો, ટાટ કે એલિજિબિલીટી બન્નેમાંથી એક જ હોય એવા મળીને લગભગ ૧૩૦૦ શિક્ષકો હાલ ફાજલ થયા છે. સરકારે આ શિક્ષકોને ફાજલ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. તેમને અન્ય શૈક્ષણિક કાર્ય સોંપવાની તજવીજ હાથ ધરાશે. વાનાણીએ ઉમેર્યું કે, તાજેતરમાં જાહેર થયેલા ધો.૧૦ના પરિણામો બાદ ગ્રાન્ટ ઇન એઇડની શાળાના ૨૪૫ વર્ગખંડો ઘટાડવામાં આવ્યા છે. આને લીધે પણ શિક્ષકો ફાજલ થયા છે.