શિક્ષકોએ કાર્યસ્થળે રહેવું પડશે: અપ-ડાઉન કરનારાના H.R.A. કપાશે












શિક્ષકોએ કાર્યસ્થળે રહેવું પડશે: અપ-ડાઉન કરનારાના H.R.A. કપાશે


બિનસરકારી અનુદાનિત સ્કૂલના કર્મચારીઓએ ફરજિયાત મુખ્ય મથકે રહેવું પડશે
 
રાજ્યમાં આવેલી સ્કૂલોના કર્મચારીઓ મુખ્ય મથકે રહેતા ન હોવાના લીધે શિક્ષણ પર વિપરત અસર પડી રહી છે. તાજેતરમાં આવેલા બોર્ડના પરિણામો પણ નબળા આવ્યા છે અને તેના એક કારણ પૈકી કર્મચારીઓ મુખ્ય મથકે હાજર રહેતા ન હોવાનું ધ્યાને આવતા શિક્ષણ વિભાગે સ્કૂલના તમામ કર્મચારીઓને મુખ્ય મથકે ફરજિયાત હાજર રહેવા માટે આદેશ કર્યો છે. રાજ્યની અનુદાનિત સ્કૂલોના કર્મચારીઓને પગારમાં ૧૦ ટકા લેખે હાઉસ રેન્ટ એલાઉન્સ ચુકવવામાં આવે છે. આ ભથ્થુ કર્મચારીઓ મુખ્ય મથક ન છોડે તે માટે ચુકવાય છે. પરંતુ હાલમાં ઘણા કર્મચારીઓ મુખ્ય મથકે હાજર રહેતા ન હોવાનું ધ્યાને આવ્યા બાદ કર્મચારીઓ માટે મુખ્ય મથકે હાજર રહેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ કર્મચારી મુખ્ય મથકે હાજર રહેતો નહી જણાય તો તેને ઘરભાડા ભથ્થુ ચુકવવામાં આવશે નહીં તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું. આમ હવે અપ-ડાઉન કરતા શિક્ષકો પર તવાઈ આવશે અને તેમણે ફરજિયાત જ્યાં ફરજ બજાવતા હશે ત્યાં જ રહેવું પડશે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં આવેલી બિનસરકારી અનુદાનિત તમામ શાળાઓના નિયમિત પગાર ધોરણમાં પગાર મેળવતા કર્મચારીઓને સરકાર તરફથી મુળ પગારના ૧૦ ટકા લેખે ઘરભાડા ભથ્થાની (એચ.આર.એ.)ની પ્રતિમાસ ચુકવણી કરવામાં આવે છે. આ ઘરભાડ ભથ્થુ કર્મચારીઓ મુખ્ય મથક ન છોડે અને શાળાનું શૈક્ષણિક સ્તર ઉંચુ આવે તે માટે ચુકવવામાં આવે છે. જોકે સ્કૂલના ઘણા શિક્ષકો અને આચાર્યો નિયમિત રીતે ઘરભાડા ભથ્થુ મેળવતા હોવા છતાં મુખ્ય મથક એટલે કે જ્યાં ફરજ બજાવે છે ત્યાં હાજર રહેવાના બદલે અપ-ડાઉન કરવાનું પસંદ કરતા હોય છે. આ સ્થિતીમાં શિક્ષણ પર વિપરીત અસર પડતી હોવાનું શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યું હતું.રાજ્યની બિનસરકારી અનુદાનિત સ્કૂલોના આચાર્ય, શિક્ષકો અને કર્મચારીઓ પૈકી કેટલાક કર્મચારીઓ મુખ્ય મથકે હાજર રહેતા ન હોવાનું બહાર આવ્યું છે. તેઓ મુખ્ય મથકે રહેતા ન હોઈ તેની સીધી અસર ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના પરિણામો પર પણ પડે છે. તાજેતરમાં બોર્ડના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના પરિણામો ખુબ જ નીચા આવ્યા હતા. જેના અનેક કારણો પૈકીનું એક કારણ સ્કૂલના કર્મચારીઓ મુખ્ય મથકે રહેતા ન હોવાનું હતું. જોકે હવે તમામ કર્મચારીઓએ ફરજિયાત મુખ્ય મથકે હાજર રહેવાનું રહેશે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ ડીઈઓને પરિપત્ર મોકલી તેમના તાબા હેઠળની સ્કૂલોને આ અંગેની જાણ કરવા માટે પણ સુચના આપી હોવાનું જાણવા મળે છે.

સ્કૂલના આચાર્યને શિક્ષકો તથા અન્ય કર્મચારીઓ મુખ્ય મથકે રહે છે કે કેમ તે જોવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી હવે આચાર્યએ તમામ શિક્ષકો-કર્મચારીઓ મુખ્ય મથકે રહે છે કે કેમ તેની ચકાસણી કરી કર્મચારીઓના સંપુર્ણ સરનામા મેળવી શિક્ષણ વિભાગને સુપરત કરવાના રહેશે. સ્કૂલના આચાર્યના કિસ્સામાં તે સ્કૂલના સંચાલક મંડળે પ્રમાણપત્ર આપવાનું રહેશે. આમ હવે તમામ શિક્ષકો-આચાર્ય અને કર્મચારીઓને હવે ફરજિયાત જ્યાં ફરજ બજાવતા હોય તે સ્થળે જ હાજર રહેવાનું રહેશે.

શિક્ષણ વિભાગ દ્વારા તમામ કર્મચારીઓને મુખ્ય મથકે ફરજિયાત હાજર રહેવા માટે સુચના આપી દીધી છે. જો હવે કોઈ કર્મચારી મુખ્ય મથકે રહેતો ન હોવાનું તપાસમાં જણાઈ આવશે તો આવા કિસ્સામાં તે કર્મચારીને પ્રતિમાસ ચુકવવામાં આવતું ઘરભાડા ભથ્થુ ચુકવવામાં આવશે નહીં અને આ સંજોગોમાં તમામ જવાબદારી સ્કુલના આચાર્ય અને સંચાલક મંડળની રહેશે તેમ પણ તાકીદ કરાઈ છે.

શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પરિપત્ર બાદ હવે અપ-ડાઉન કરતા શિક્ષકોને જ્યાં ફરજ બજાવતા હશે તે જ જગ્યાએ ફરજિયાત હાજર રહેવાનું રહેશે.