ધોરણ-૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અમલી બનાવાયેલી સેમેસ્ટર પદ્ધતિ બાદ વિદ્યાર્થી, આચાર્યો, શિક્ષકો, સંચાલકોમાં ભારે નારાજગી વ્યાપી ગઇ હતી. સેમેસ્ટર પદ્ધતિને લઇને વિદ્યાર્થીઓની હાલત કફોડી થઇ જતી હોવાની ફરિયાદોનો મારો થયો હતો. એવામાં શિક્ષણ બોર્ડના સભ્યોની મંગળવારે મળેલી સામાન્ય સભામાં સેમેસ્ટર પદ્ધતિ નાબૂદ કરવાને મુદ્દે રાજ્ય સરકારને પ્રપોઝલ મોકલવાનું નિર્ધારીત કરાયું છે, એટલે કે હવે સેમેસ્ટર પદ્ધતિ નાબૂદ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર પર છોડી દેવાયો છે. જોકે, હાલની સ્થિતિ જોતાં આગામી દિવસોમાં પ્રથા નાબૂદ થઇ જશે એવી સંભાવના વ્યક્ત કરાઇ હતી. બોર્ડની સામાન્ય સભામાં મહત્ત્વનો નિર્ણય, રાજ્ય સરકારને પ્રપોઝલ મોકલશે શિક્ષણ બોર્ડે બનાવેલી ૧૦ સભ્યોની કમિટીએ વિદ્યાર્થી, વાલી, શિક્ષકોના રિવ્યૂ લીધા વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર પદ્ધતિને મુદ્દે રાજ્યભરના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તરફથી વિવિધ ફરિયાદો થઇ હતી, જેને પગલે રાજ્ય શિક્ષણ બોર્ડે સેમેસ્ટર પદ્ધતિને મુદ્દે વિચારણા કરવા માટે ૧૦ સભ્યોની કમિટી બનાવી હતી. ૧૦ સભ્યોની કમિટીએ વિદ્યાર્થી, વાલી, આચાર્યોના રિવ્યૂ લઇને કેટલાક મહત્ત્વના તારણો કાઢયા હતા. કમિટીએ ધોરણ-૧૨ પછી આઇઆઇટી જેવી સંસ્થાઓમાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓના અભિપ્રાયો પણ લીધા હતા. રિવ્યૂને આધારે સેમેસ્ટર પદ્ધતિ નાબૂદ કરીને ધોરણ-૧૧ અને ૧૨ની વાર્ષિક પરીક્ષા લેવાની નોંધ કરી હતી. કમિટીનો રિવ્યૂ મંગળવારે ગાંધીનગરમાં થયેલી બોર્ડના સભ્યોની સામાન્ય સભામાં રજૂ કરાયો હતો. જે મુદ્દે સભ્યોએ તાત્કાલિક નિર્ણય લઇને રિવ્યૂ, રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવાનું નિર્ધારીત કરાયું હતું. તેમજ સેમેસ્ટર પદ્ધતિ નાબૂદ કરવી કે નહીં એ નિર્ણય રાજ્ય સરકાર પર છોડી દેવાયો હતો. જોકે, બોર્ડની પ્રપોઝલ બાદ સેમેસ્ટર પદ્ધતિ નાબૂદ થશે એવી તીવ્ર શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે. ધો-૧૨ સુધી લિવિંગ સર્ટિફિકેટમાં સુધારાની સત્તા ડીઇઓને સામાન્ય સભામાં લિવિંગ સર્ટિફિકેટમાં સુધારાને મુદ્દે પણ મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત હવે ધોરણ-૧૨ સુધી નામ, સરનામું અને જન્મતારીખ સંબંધિત સુધારો જિલ્લા શિક્ષણાધિકારી કરી શકશે. હમણાં સુધી ધોરણ-૯ સુધી જ સુધારાની સત્તા અપાઇ હતી. ત્યાર બાદ વિદ્યાર્થી, વાલીએ કોર્ટમાં એફિડેવિટ કરાવીને સુધારો-વધારો કરવાની ફરજ પડતી હતી. જોકે, વિદ્યાર્થી-વાલીઓને પડતી હાલાકીને લઇને હવે ડીઇઓની સત્તા વધારવામાં આવી છે. ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ઓક્ટોબરમાં પરીક્ષા રાજ્યભરની શાળાઓમાં પરીક્ષા આપતા ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓને મુદ્દે વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકોની અનેક ફરિયાદો હતી. કેમ્પસ અને સ્ટાફની ફાળવણીને લઇને રજૂઆતો થઇ હતી. જોકે, ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓની પરીક્ષાને લઇને પડતી મુશ્કેલીને જોતાં હવે ઓક્ટોબરમાં પરીક્ષા લેવાનું નિર્ધારીત કરાયું છે. આ સિવાય હાલમાં વિજ્ઞાન પ્રવાહ ૧ અને ૩ સેમેસ્ટરની દરેક પરીક્ષાઓ વચ્ચે એક-એક રજાની માંગણી પર વિચારણા કરાશે. તેમજ બોર્ડની પરીક્ષામાં ગેરરીતિના કિસ્સાઓ ડામવા માટે સીસીટીવી કેમેરા માટે એક ઓર્બ્ઝવરની નિમણૂક કરાશે, તે નિરીક્ષક માત્ર કેમેરાને લઇને રિપોર્ટ આપશે. બોર્ડ રાજ્ય સરકારને પ્રપોઝલ મોકલશે સામાન્ય સભામાં કમિટીના રિવ્યૂ પર ચર્ચા થઇ હતી, તેમજ યોગ્ય અને ઝડપી નિર્ણય લેવાઇ એવું સૂચન સભ્યોએ કર્યુ હતું. તેને જોતાં રાજ્ય સરકારને પ્રપોઝલ મોકલવાનો નિર્ણય લેવાયો હતો. એટલે હવે સેમેસ્ટર પ્રથા નાબૂદ કરવાને મુદ્દે હવે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે.