પ્રાથમિક શાળાઓમાં શિક્ષામિત્રોને એડડસ્ટ કરવા અંગે અલાહાબાદ હાઈકોર્ટે પ્રતિબંધ મુક્યો છે. તેના પછી ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં શિક્ષામિત્રોના આઘાતથી મોત કે આત્મહત્યાની ઘટનાઓ સામે આવી છે. અત્યાર સુધીમાં ૬ શિક્ષામિત્રોના મોત થયાં છે.

કન્નૌજમાં પ્રાથમિક શાળા જનખતમાં તૈનાત શિક્ષામિત્ર બાબુસિંહે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે તો ગાઝીપુરમાં શિક્ષામિત્રએ સલ્ફાસ ખાઈને આત્મહત્યા કરી લીધી છે. એવી જ રીતે લખીમપુર ખીરીમાં ફુલબહેડ બ્લોકના એક શિક્ષામિત્રએ ઝેર ખાઈને જીવન ટુંકાવી દીધું છે તો ભાનપુરમાં એક શિક્ષામિત્રને કોર્ટના આદેશથી એવો આઘાત લાગ્યો કે તેના મગજની નસ ફાટી ગઈ અને તેનું મોત થઈ ગયું હતું. જ્યારે એટામાં તો શિક્ષામિત્ર મહિપાલ સિંહે ખુદને ગોળી મારી દઈને જીવ આપી દીધો અને મિર્ઝાપુરમાં અન્ય એક શિક્ષામિત્રએ પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.

ઉત્તર પ્રદેશની પ્રાથમિક શાળાઓમાં તૈનાત એક લાખ ૭૫ હજાર શિક્ષામિત્રોની એપોઈન્ટમેન્ટ હાઈકોર્ટે કેન્સલ કરી દીધી છે. હાઈકોર્ટે શનિવારે ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની ડિવિઝન બેન્ચે આ આદેશ આપ્યો હતો. આ શિક્ષામિત્રોની નિયુક્તિ ૨૦૧૪માં થઈ હતી.

આ નિયુક્તિઓ અંગે વકીલોએ કહ્યું હતું કે તેઓની ભરતી ગેરકાયદે થઈ છે. આ મામલે હાઈકોર્ટે કહ્યું હતું કે આ શિક્ષામિત્રો ટીઈટી પરીક્ષા પાસ નથી તેથી આસિસ્ટન્ટ શિક્ષકોના પદ પર તેમને નિયુક્ત કરી શકાય નહીં. શિક્ષામિત્રો તરફથી વકીલોએ કોર્ટને જણાવ્યું હતું કે સરકારે નિયમ બનાવીને તેમને એડજસ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

શિક્ષામિત્રો આ ચુકાદા અંગે કહે છે કે હાઈકોર્ટના આ નિર્ણયથી જાણે જીવ નીકળી જશે એવું લાગ્યું હતું. આ નિર્ણયથી અનેક પરેશાની વધી જશે. શિક્ષામિત્ર તરીકે જોબ મળ્યા પછી જે રાહત મળી હતી તેના કરતાં વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા છીએ.