ભોજન પીરસતી કંપનીઓ
ભારતીય રસોડાઓ તબક્કાવાર બંધ થઈ રહ્યા હોવાની એલાર્મિક ઘંટડી વાગી રહી
છે. સુખી માણસની વ્યાખ્યા એવી થઈ ગઈ છે કે જેણે ભાગ્યે જ ઘરે ભોજન કરવું
પડે એ સુખી! ખરેખર તો હંમેશા ઘરે ભોજન કરનારા જેવું સુખી તો આ જગતમાં કોઈ
નથી! હજુ જેઓ પહાડોની તળેટીમાં કે અંતરિયાળ ગ્રામ વિસ્તારોમાં વસે છે તેઓ
અખંડ સ્વગૃહે જ ભોજન પામે છે. નોકરીનો રઝળપાટ અને ભોજન બંને વચ્ચે તાલમેલ
નથી.
સિંગાપોર અને હોંગકોંગમાં હવે જે નવા મકાનો બને છે તેમાં કિચન છે જ નહિ!
ગુજરાતમાં પણ કોઈ કોઈ વિરલાઓએ આવા નમૂના નિર્માણ કર્યા છે જેમાં રસોઈઘર
નથી! જાણે કે કોઈક સદાકાળ ઉપવાસી વ્રતધારકનું ઘર ન હોય! હવે રસોડાની
જવાબદારી માણસજાત બજારમાં ટ્રાન્સફર કરી રહ્યો છે. બપોરના ભોજન અને મોડી
રાત્રિના ભોજન વચ્ચે ફ્રાન્સની પ્રજાએ હળવો નાસ્તો દાખલ કર્યો અને
રેસ્તોરાં કલ્ચરની શરૃઆત થઈ.
પરંતુ ભારતમાં આજકાલ સવાર-સાંજ બંને ટંકનું ભોજન બહારથી જ આરોગવાની એક
નવી પદ્ધતિ દાખલ થઈ રહી છે, જેને એનકેશ કરવા માટે અનેક કંપનીઓ મેદાનમાં આવી
રહી છે. આ કંપનીઓનું પ્રથમ લક્ષ્ય નોકરિયાત વર્ગ છે.
અત્યારે ગુજરાતના અને મહારાષ્ટ્રના પ્રમુખ શહેરોમાં ટિફિન સેવા અને
ટિફિન કુરિયર સેવા ચાલે છે. ટિફિન કુરિયર એટલે તમારા ઘરેથી બપોરે ગરમાગરમ
રસોઈ ભરેલું ટિફિન લઈને રિસેસ સમયે તમારી ઓફિસે પહોંચાડવું. આ એક સારી સેવા
છે જેનો બહુ લોકો લાભ લે છે.
ગુજરાતમાં અમદાવાદ-વડોદરા- સુરત સિવાયના શહેરોનો વ્યાસ-વિસ્તાર ઓછો છે
એટલે જામનગર- રાજકોટ- ભાવનગર- ભુજમાં તો બપોરે ઘરે જમવા જવાનો જ રિવાજ છે.
રાજકોટ તો બપોરે એકથી ચાર વાગ્યા સુધી સ્થગિત થઈ જાય છે, સુખની આ પરાકાષ્ઠા
છે, સરકારી ઓફિસો પણ સૂમસામ દેખાય છે. બહુ ઓછા લોકો ટિફિન લાવે છે.
ટિફિનને બદલે મધ્યાહન વેળાએ ગૃહછત્ર અને ગૃહિણીનું સાંનિધ્ય સૌરાષ્ટ્રની
પ્રજાને અધિક પ્રિય છે. પરંતુ અમદાવાદ અને ગુજરાતમાં માત્ર ભોજન માટે ઘરે
'ધક્કો' ખાનારો મનુષ્ય હવે કોઈ નથી, અમદાવાદી પોતાના કામ સાથે પૂરેપૂરી
ટક્કર લઈને ઝઝૂમે છે અને લગભગ મુંબઈગરાની લગોલગ આવી ઊભો છે. શરીર પડે તો
પડવા દેવું પણ કામ બગડવા ન દેવું એ જિદ નવા અમદાવાદીની છે,
આ ટક્કરમાં જેઓ પાછા પડે છે તેઓ ફેંકાઈ જાય છે. છેલ્લા દાયકામાં
અમદાવાદમાંથી મકાન વેચીને દહેગામ, કડી, રાંચરડા, ઘુમા, જાસપુર, કઠવાડા અને
બારેજડીમાં ફંગોળાઈ ગયેલા અનેક લોકો છે. કામની ટક્કરમાં ટકી ન રહેતા લોકો
અમદાવાદ ખાલી કરી રહ્યા છે અને તાતી તરખાટી તેગ લઈને કામકાજમાં તૂટી પડનારા
લોકો અમદાવાદમાં આવી રહ્યા છે. આ એક મોટું ટ્રાન્સ્ફોર્મેશન છે.
હોંગકોંગમાંથી રસોડા બાકાત થવાનું બીજુ એક કારણ એ છે કે નવા નિર્માણ થતા
મકાનોની વેચાણ કિંમત નીચે લાવવા માટે ત્યાંના બિલ્ડરોએ રસોડાનો છેદ ઉડાડયો
છે અને માત્ર શ્રીમંતો જ હવે એવા મકાનો ખરીદે છે જેમાં કિચન હોય! એટલ
હોંગકોંગમાં સ્થિતિ એ છે કે જેને ઘરે જમવું છે એણે બહાર જમવું પડે છે અને
જે ઘરે છપ્પનવાના જમી શકે છે એને બહારની જયાફતનું આકર્ષણ છે.
હૈદ્રાબાદ, મુંબઈ અને ચેન્નાઈમાં તૈયાર ભોજન પહોંચાડતી કંપનીઓ બજારમાં
આવી ગઈ છે અને એનો વાર્ષિક કારોબાર કરોડોનો થવાની ધારણા છે. આ કંપનીઓ તાજી
ગરમ રસોઈ અને ફ્રોઝન એમ બન્ને રીતે વેચાણ કરે છે. કેટલીક કંપનીઓ એરપેકિંગ
પર ચાલે છે. ફ્રોઝનમાં અને એરપેકમાં તફાવત છે. આવનારા ટૂંકાગાળામાં વીસથી
બાવીસ કંપનીઓ નાની-મોટી સાઈઝના ભોજનથાળ લઈ વિવિધ પેકેજિંગ સાથે માર્કેટમાં
આવી રહી છે.
આખા દેશમાં એક ગુજરાતી ભોજન જ એવું છે જેમાં દાળ-ભાત-શાક- રોટલી-
કચુંબર- છાશ- ગોળ (આ યાદી જો કે બહુ લાંબી છે) એમ ભરપૂર વૈવિધ્ય છે. પરંતુ
નવી કંપનીઓ સમ્પૂર્ણ ગુજરાતી ભોજન સાથે મેદાનમાં ઉતરી છે.
ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ સેન્ટર ઓફ એક્સેલેન્સનો ઈ.સ. ૨૦૧૫નો રિપોર્ટ જણાવે
છે કે ભારતીય પ્રજાને એકાએક સ્વાદનો ચટકો ચડયો છે અને આહારના બજેટમાં ધરખમ
વધારો થયો છે. અનેક વિદેશી કંપનીઓ ૩૦થી ૬૦ લાખ ડોલરના બજેટ સાથે પોતાનું
વિરાટ હાઈટેક રસોડું લઈને બજારમાં આવી રહી છે.
આ કંપનીઓ દેશમાં તૈયાર ભોજનની નવી જ શ્રેણી રજૂ કરશે જે મુખ્યત્વે તમે
જ્યાં છો ત્યાં જ ભોજન પીરસવાનું ઝડપી વ્યવસ્થાતંત્ર ધરાવે છે. અત્યારે પણ
ફોન કરવાથી દોડી આવનારી કંપનીઓ છે પરંતુ બહુ જ સિલેકટેડ ખાદ્ય ઉત્પાદનમાં એ
સેવા ઉપલબ્ધ છે. આ નવી આવનારી કંપનીઓ સિક્સ ડેયઝ- ફાઈવ ડેયઝ- થ્રિ ડેયઝ
એવા પેકેજ લઈને આવે છે,
એમાં મન્થલી પેકે જ પણ હોય છે. આ કંપનીઓ પણ ઈકોનોમિ પેકેજ અને
એક્ઝિક્યુટિવ લંચ એમ બે પ્રકારની- ટુ ટાયર ઓફર લઈને આવી રહી છે. એક સાથે
અનેક કંપનીઓનો ભારતીય રસોડા પરનો હૂમલો કેવા પરિણામો લાવશે અને શહેરી
દોડધામમાં જેનું ભોજન અટવાઈ ગયું છે તેને કેવી રાહત આપશે તે તો સમય-સમયની
વાત છે.
પરંતુ જે સ્ત્રીઓ નોકરી કરે છે અને ઘરે રસોઈ પણ બનાવે છે તેને તેના
બાળઉછેરના વર્ષોમાં આ કંપનીઓ સહાયકારી નીવડશે એટલે માત્ર હજારમાં કામે
ચડેલા લોકો જ આની બજાર નથી, ઘરે ઘરે ગ્રાહકોની આ કંપની શોધ કરી શકશે.
સંસારની કોઈ પણ સેવનસ્ટાર હોટેલના ભોજન પણ જેની તોલે ન આવે એ આપણા ઘરના
ચુલા ને ઘરની તાવડીનો રોટલો હોય છે, ઘરઆંગણાની મીઠાશ તો આ બ્રહ્માંડમાં
બીજે ક્યાંય મળી શકે એમ નથી પરંતુ ઓડિસ્યુસ જેવો જે રઝળપાટ આધુનિક ભારતીય
મનુષ્યે શરૃ કર્યો છે તેમાં દિલ કો બહેલાને કે લિયે ગાલિબ યે ખયાલ અચ્છા
હૈ!http://www.gujaratsamachar.com/