માર્ચમાં ધોરણ-10ના 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ધો-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી 11 મી સુધી ફોર્મ ભરી શકશે
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં માર્ચ-૨૦૧૫ની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી ૫.૪૨ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જોકે માર્ચ-૨૦૧૬ની પરીક્ષા માટે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૫.૦૭ લાખ વિદ્યાર્થીઓ અત્યાર સુધી નોંધાઈ ચુક્યા છે. જોકે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ હજુ ૧૧ ડિસેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકે તેમ હોઈ આ સંખ્યામાં વધારો થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. સામાન્ય પ્રવાહમાં અંદાજિત સવા પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા તેવી શક્યતાઓ જણાઈ રહી છે. બોર્ડ દ્વારા પરીક્ષાને લઈને પૂર્વ આયોજન શરૂ કરી
દેવાયું છે.

ધોરણ-૧૦ની માર્ચ-૨૦૧૬માં લેવાનારી પરીક્ષા માટે ૧૦.૮૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હોવાનું જાણવા મળે છે. ધો-૧૦ના વિદ્યાર્થીઓએ ૮ ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરવાની હતી અને આચાર્યએ એપ્રુવલ આપવાની હતી. મુદ્દત પૂર્ણ થયા બાદ ધો-૧૦માં ૨૦૧૫ કરતા ૧૬ હજાર વિદ્યાર્થીઓ વધુ નોંધાયા છે. જ્યારે ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં ૫.૦૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જોકે ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં તો હજુ ૧૧ ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકે તેમ હોઈ સંખ્યામાં વધારો થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ધો-૧૦માં ઓનલાઈન ફોર્મની મુદ્દત પૂર્ણ થઈ હોઈ બાકી રહેલા વિદ્યાર્થીઓ માર્ચ-૨૦૧૬ની પરીક્ષામાં હાજર રહી શકશે નહીં.

ધોરણ-૧૦ની માર્ચ-૨૦૧૫માં લેવામાં આવેલી પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી ૧૦.૬૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જોકે આગામી માર્ચ-૨૦૧૬ની પરીક્ષા માટે ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. ધો-૧૦ની માર્ચ-૨૦૧૬માં લેવામાં આવનારી પરીક્ષા માટે બોર્ડ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. જેમાં સ્કૂલોએ વિદ્યાર્થીઓના ફોર્મ ભરી આચાર્યની એપ્રુવલ ૮ ડિસેમ્બર સુધીમાં આપી દેવાની હતી. મુદ્દત પૂર્ણ થયા બાદ ચકાસણી કરતા ધોરણ-૧૦ની માર્ચ-૨૦૧૬ની પરીક્ષા માટે ૧૦.૮૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આમ માર્ચ-૨૦૧૫ કરતા માર્ચ-૨૦૧૬ની પરીક્ષા માટે ૧૬ હજાર વિદ્યાર્થીઓ વધુ નોંધાયા છે