બોર્ડની પરીક્ષાનો તણાવ દૂર કરવા બાયસેગથી માર્ગદર્શન
નવગુજરાત સમય > અમદાવાદ

શિક્ષણ બોર્ડ દ્વારા ૮ માર્ચથી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સની પરીક્ષાઓ શરૂ થશે. પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ માનસિક તાણ અનુભવતા હોઈ તેમનો તણાવ દૂર કરવા માટે બોર્ડ દ્વારા બાયસેગના માધ્યમથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ૧૧, ૧૮ અને ૨૫ ફેબ્રુઆરીના રોજ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૮ માર્ચથી શરૂ થઈ રહેલી પરીક્ષાઓમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. પરીક્ષાની તૈયારી દરમિયાન ઘણા વિદ્યાર્થીઓને માનસિક તાણના કારણે નકારાત્મકતા અનુભવતા હોય છે.

આ સ્થિતિમાં વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના આશયથી બોર્ડ દ્વારા તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું નક્કી કર્યુ છે. જેના ભાગરૂપે બાયસેગના માધ્યમથી વિદ્યાર્થીઓને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ૧૧ ફેબ્રુઆરી, ૧૮ ફેબ્રુઆરી અને ૨૫ ફેબ્રુઆરીના રોજ બાયસેગના માધ્યમથી ૧૧થી ૧૨ વાગ્યા દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષા તેમજ જીવન-સમજણના વિવિધ પાસાઓ ઉપર સંબોધન કરાશે. સ્કૂલોએ આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને બતાવવા માટે યોગ્ય તૈયારીઓ કરવા માટે પણ સૂચનો કરાયા હોવાનું જાણવા મળે છે. ઉપરાંત વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમનો લાભ લે તે માટે બોર્ડ દ્વારા તમામ ડીઈઓને તાકીદ કરવામાં આવી હોવાનું જાણવા મ‌ળે છે.