પરિક્ષાનું ટેન્‍શન ટાળતો એક પત્ર
જો ડર ગયા ઇ સાગમટે મર ગયા, હસતા મોઢે પરિક્ષા આપો, એરંડીયા પીધેલ મોઢે કોઇ દિ' કારર્કિદીના ઉદ્ધાર ન થાય

જીંદગી કી કોઇ ભી એકઝામ દેને કી એક હી રીત હૈ કી ડર કે આગે જીત હૈ
હાલા પરિક્ષાર્થી મિત્રો,

નમસ્‍કાર ગામ આખું પરિક્ષા-પરિક્ષાના હોહા અને દેકારા કરી રહ્યું છે. આખા શહેરના ઘરે ઘરમાંથી કોક ગુજરી ગયું હોય એવું સોગીયું વાતાવરણ ચારેબાજુ થઇ ગયું છે. શું થાશે ? કેવા પેપર નીકળશે ? અમારા છોકરાઓને કેટલા ટકા આવશે ? આવા અઢળક યક્ષપ્રશ્નો વિદ્યાર્થીઓ કરતાં વાલીઓ આખા ગામને પુછી રહ્યાં છે.
યુવાન દોસ્‍તો યાદ રાખજો ‘જીંદગી કી કોઇ ભી એકઝામ દેને કી એક હી રીત હૈ કીં ડર કે આગે જીત હૈ.'' પરિક્ષાથી ફાટી ન પડો, પરિક્ષાને ડરાવો કે જોઇ લે મારો કોન્‍ફીડન્‍સ અને મારી મહેનત કેટલી જોરદાર છે. જમ્‍યા પછી કોઇ દિવસ તમે પેટને પૂછયું કે એય પેટ જમવાનું પચશે ને ? સવારે લોચો નહીં થાય ને ? તો વાચ્‍યા પછી તમારા મેમરી સેકશન ને શા માટે પૂછો છો કે એય મગજ તને યાદ રહેશે ને ? તું આ સવાલનો જવાબ ભૂલી નહીં જાય ને ? તમારા પાચનતંત્ર જેટલો જ ભરોસો તમારી યાદશકિત ઉપર રાખો તો પરિક્ષાનો જંગ જીત્‍યા સમજજો.
પરિક્ષાના દિવસોમાં એલર્ટ થવું જરૂરી છે પરંતુ અધમુઆ થવાની જરૂર નથી. તમે દુનિયાના સૌથી હોશિયાર વિદ્યાર્થી છો અને તમને બધુ જ આવડે છે. આટલો વિચાર કરીને જ વાંચવા બેસજો. તમને જે આવડતું નથી એ ભુલી જાઓ એ પરિક્ષામાં પુછાવાનું નથી.
યાદ રાખજો પરિક્ષા વખતે કાંઇ યાદ ન આવે તોય કાંઇ તમે જીંદગી હારી નથી ગયા. દસમા અને બારમાની પરિક્ષા પૂરી થયા પછી જ જીંદગીની સાચી પરિક્ષા શરૂ થાય છે.
પરિક્ષા વખતે સ્‍ટ્રેસ ફ્રી થવા માટે અરિસાની સામે બે મિનિટ ઉભા રહો. એક મસ્‍ત સ્‍માઇલ ફેંકીને તમારી જાતને જોરથી કહો કે યુ આર ધ બેસ્‍ટ પર્સન ઓફ ધ વર્લ્‍ડ.
ઇશ્વર પર ભરોસો અને ઇશ્વર કરતા પણ બે દોરા વાર વધારે તમારી જાત ઉપર ભરોસો રાખો. છેલ્લી ઘડી સુધી વાંચ-વાંચ કરવાથી બધુ ભૂલાઇ જશે. દસ મિનિટ માટે એકઝામીનેશન હોલમાં પગ મુકતાં પહેલાં એકાદ ગમતું ગીત સાંભળી કે ગણગણી લ્‍યો... બે ચાર જોક સાંભળી લ્‍યો... ખડખડાટ હસીને પરિક્ષા દેવા બેસો જો તમે ધાર્યા હોય તેના કરતા બે ટકા વધારે ન આવે તો તમારૂ જોડુને મારૂ માથુ... !
બાકી તો એકઝામ અને ટ્રાફિક જામ બંનેમાં દેકારા અને પડકારા હોય જ... ! રીલેકસ ઓલ ઇઝ વેલ જ હો... !
જો ડર ગયા ઇ સાગમટે મર ગયા. હસતા મોઢે પરિક્ષા આપો. એરંડીયા પીધેલ મોઢે કોઇ દી' કારકીર્દીના ઉદ્ધાર ન થાય...
આપનો સાંઇરામ
એક શિક્ષક