સરકારી ભરતીમાં EBCનો અમલ કરવા કાયદાકીય વિકલ્પ કઢાશે

- હાલમાં ચાલતી તમામ ભરતી પ્રક્રિયાને અટકાવાઈ

૧૦ ટકા આર્થિક અનામતને રદ કરવાના નિર્ણયને મોડી રાત્રે રદ કરાયા બાદ ડેપ્યુટી CMની સ્પષ્ટતાઓ
અમદાવાદ, શનિવાર
શુક્રવારે બિન અનામત કક્ષાનાં આર્થિક રીતે નબળા વર્ગ માટે ૧૦ ટકા જગ્યાઓ અનામત રાખવાના નિર્ણયને શુક્રવારે ઢળતી સાંજે રદ કરાયા બાદ મોડી રાત્રે ફેરવી તોળી તે નિર્ણયને પણ રદ કરાયો હતો !! શનિવારે ડેપ્યુટી મુખ્યમંત્રી નિતિન પટેલે ગાંધીનગરમાં કેટલીક સ્પષ્ટતાઓ કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનાં આદેશને ધ્યાનમાં રાખીને પત્ર કરાયો હતો. પરંતુ કેટલીક ગૂંચવણો ઉભી થતા અને રાત્રે જ રજૂઆતો આવતા મુખ્યમંત્રીને આ બાબતની જાણકારી અપાયા બાદ ચીફ સેક્રેટરીને EBC રદ કરવાના નિર્ણયને રદ કરવાનો આદેશ અપાયો હતો.
તેઓએ કહ્યું કે, અગાઉ ૧૦ ટકા EBC અનામતનો વટહુકમ બહાર પડાયો હતો. શૈક્ષણિક સંસ્થાઓ અને વિવિધ સરકારી ભરતીઓમાં તેનો અમલ કરવાનો હતો. ૪૯ ટકા અનામતનો ફેરફાર કર્યા વગર આ લાભ આપવાની વાત છે. પરંતુ કોઇએ હાઈકોર્ટમાં તેને પડકારતાં હાઈકોર્ટે EBC  અનામતનાં વટહુક્મને જ રદ કરી દીધો હતો જેથી સરકારે તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં બે વખત મુદત પડી છે. પરંતુ સુપ્રીમ કોર્ટે ૧૦ ટકા પ્રમાણે અગાઉ જેને પ્રવેશ આપી દેવાયા છે તેને રદ નહી કરવાનો અને નવા પ્રવેશ EBC મુજબ નહી ફાળવવાનો આદેશ કર્યો હતો. EBC અનામત ક્વોટા હેઠળ ૩૦૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી ગયો છે.
સુપ્રીમ કોર્ટે ગુજરાતનાં આ નિર્ણયની હકિકતો જાણવા માટે ત્રણ જજની બેચ સમક્ષ આ રીટની સુનાવણી કરવાનું જણાવ્યું છે. તેમજ આખરી ચુકાદો ન આવે ત્યાં સુધી EBC કાયદાનો અમલ ન કરવો. શુક્રવારે જે પરિપત્ર કરાયો તે ફક્ત સુપ્રીમ કોર્ટનાં આદેશના પાલન માટે કરાયો છે. ગુજરાત સરકાર તરફથી ૬૦ હજાર નવી ભરતીઓ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. છેલ્લા ૨૦ વર્ષમાં ભરતી થઇ નથી. પરંતુ GADના ૧૦ ટકા EBC અનામતને રદ કરવાના પરીપત્ર બાદ મારી પાસે રજૂઆતો આવી હતી. તેમજ કેટલીક વિસંગતતાઓ પણ ઉભી થઇ છે.
તેઓએ વધુમાં કહ્યું કે, જો આ અંગે મુખ્યમંત્રી વિજય રૃપાણીનું ધ્યાન દોરીને સ્પષ્ટતા કરવી જરૃર હોવાનું કહ્યું હતું. EBC ના વિદ્યાર્થીઓ પણ ભરતી પ્રક્રિયામાંથી બાકી રહી ન જાય તે માટે મોડી રાત્રે જ GAD એ કરેલા પરિપત્રને રદ કરવાનો આદેશ અપાયો હતો. હવે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબની કાર્યવાહી કરાશે. ભરતી પ્રક્રિયામાં EBC માટે કેવો રસ્તો અને વિકલ્પ નીકાળી શકે છે તે માટેની ચર્ચા એટર્ની જનરલ, મુખ્યમંત્રી, અને કાયદાના તજજ્ઞાો સાથે કરાશે.
ડેપ્યુટી મુખ્યમંત્રીએ એવી ચોખવટ પણ કરી હતી કે GAD ના ગઇકાલનાં છેલ્લા પરિપત્રને રદ કરવાને પગલે હવે અગાઉ જે આઠ GR થયા હતા તે ચાલુ જ રહેશે. જો કે હાલમાં સરકારમાં જે કોઈ ભરતી પ્રક્રિયા જે કોઈ તબક્કે છે તેને મુલતવી રાખવામાં આવે છે. જેથી  EBC ને પણ તેમાં તક મળી શકે. ભરતી પ્રક્રિયામાં સરળતા-સમતોલન જળવાઈ રહે તે માટેનો કોઈ રસ્તો કાઢવામાં આવશે.