ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના ફોર્મ તા.1થી 31મી સુધી ભરાશે
વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે ઓછા દિવસ મળ્યા હોવાની વાલીઓની ફરિયાદ


-
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ ૨૦૧૭માં લેવાનારી ધો.૧૦ અને ૧૨ (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. માર્ચમાં લેવાનારી બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત રહેવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ આગામી તા.૧લી ઓક્ટોબરે સાંજે ૪ વાગ્યાથી આગામી તા.૩૧મી ઓક્ટોબર રાત્રે ૧૨ વાગ્યા સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે.બોર્ડની વેબસાઇટ પર લોગઇન કરીને ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. દરેક શાળાના શિક્ષકો,કલાર્ક અને આચાર્યોએ વિદ્યાર્થીઓને ઓનલાઇન ફોર્મ ભરાવવામાં મદદ કરવાની રહેશે. જે વિદ્યાર્થીઓ નિયત સમયમાં ફોર્મ ભરે નહીં તેમની કોઇપણ રજૂઆત સાંભળવામાં આવશે નહીં. આ ઉપરાંત જે શાળાઓ નિયત સમયમાં ફોર્મ ભરી શકશે નહીં તેવી શાળાઓના જવાબદાર કર્મચારી અથ‌વા તો સંચાલકો સામે પગલાં લેવામાં આવશે. બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ના પરીક્ષા ફોર્મ ભરવાની કરાયેલી જાહેરાત સામે કેટલાક શાળા સંચાલકો અને વાલીઓએ વાંધો ઉઠાવ્યો છે. વાલીઓના કહેવા પ્રમાણે તા.૧લીએ સાંજે ૪ વાગ્યાથી ફોર્મ ભરવાની મુદત આપવામાં આવી છે. શનિવારે સાંજે ૪ વાગે શાળાઓ બંધ થઇ જતી હોય છે. આ ઉપરાંત બીજા દિવસે રવિવાર હોવાથી વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાની પ્રક્રિયા કરી શકતા નથી. આ સ્થિતિમાં તા.૩ થી ફોર્મ ભરવાનું શરૂ કરાયું હોત તો વિદ્યાર્થીઓને પાછળ બે દિવસનો વધારે સમય મળી શકે તેમ હતો. આ ઉપરાંત વચ્ચે દિવાળીનું વેકેશન આવતું હોવાથી આ દિવસો દરમિયાન પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે નહીં. આ સ્થિતિમાં ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને ઓછો સમય મળશે.