પ્રોવિડન્ટ ફંડનાં નાણાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિ સરળ બનાવાઈ

- ઈપીએફઓએ ફંડ ટ્રાન્સફર માટે નવું ફોર્મ તૈયાર કર્યું પેન્શનર્સને ઓનલાઈન લાઈફ સર્ટિફિકેટ ઇશ્યૂ કરાશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર ૧૨ ઓક્ટોબર ૨૦૧૬
 
નોકરી બદલનારાઓ તેમનું પ્રોવિડન્ટ ફંડ પણ ટ્રાન્સફર કરાવવા માગતા હોય તો તે માટેની જોગવાઈને એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને વધુ હળવી બનાવી આપી છે. આ માટે ઈપીએફઓએ નવું ફોર્મ નંબર ૧૧ પણ તૈયાર કર્યું છે. અત્યારે ભરવામાં આવતા પ્રોવિડન્ટ ફંડ વિડ્રોઅલ-ટ્રાન્સફર ફંડને બદલે આ નવું ફોર્મ ૧૧ ભરવું પડશે.
 
જે કર્મચારીઓએ યુનિવર્સલ એકાઉન્ટ નંબર મેળવી લીધો હોય અને તેની સાથે તેની કે.વાય.સી.ના દસ્તાવેજોની વિગતો જોડી દીધી હોય તો તેવા સંજોગોમાં તે કર્મચારી નોકરી બદલે ત્યારે તેનું પ્રોવિડન્ટ ફંડ ટ્રાન્સફર કરાવવા માટે તેમણે અત્યારની જેમ ફોર્મ નંબર ૧૩ ભરવું પડશે નહિ.
 
પ્રોવિડન્ટ ફંડના ક્લેઈમ ઓનલાઈન સેટલ કરી આપવાની સુવિધા પણ પ્રોવિડન્ટ ફંડ કચેરી દાખલ કરી રહી છે. આ જ રીતે યુએએન નંબર સાથે આધાર કાર્ડને લિન્ક કરવા માટેની સેવા આપવાનું પણ તેઓ આયોજન કરી રહ્યા છે. તેઓ પેન્શનર્સને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ્સ ઇશ્યૂ કરવાનું આયોજન કરી રહ્યા છે. દેશભરમાં ઈપીએફઓના જુદા જુદા કામ કરાવવા માટે કોમન સર્વિસ સેન્ટર્સની પણ સ્થાપના કરશે. આ માટે આગામી દિવસોમાં કરાર પણ કરવામાંઆવશે.
 
નવા ફોર્મમાં અરજદારે તેના અગાઉની કંપની અંગે ડિક્લેરેશન આપવું પડશે. તેની સાથે જ કે.વાય.સી. (તમારા ગ્રાહકને ઓળખો)ના તમામ દસ્તાવેજો રજૂ કરવા પડશે. નવી કંપનીમાં નોકરી સ્વીકારવાની સાથે જ આ કે.વાય.સી.ના દસ્તાવેજો તેણે આપવા પડશે. આ નવું ફોર્મ અગાઉ ભરવામાં આવતા ફોર્મ નંબર ૧૩ની અવેજીમાં ભરવું પડશે.
 
જુદી જુદી કંપનીઓ દ્વારા કર્મચારીને આપવામાં આવતા મલ્ટીપલ મેમ્બર્સ આઈડેન્ટી -ફિકેશન નંબરને એક જ છત્ર હેઠળ લાવવાનું આયોજન કર્યું છે. આ માટે પ્રોવિડન્ટ ફંડ કચેરીને યુનિવર્સલ એકાઉન્ટ નંબરની સિસ્ટમ આ અગાઉ જ દાખલ કરી દીધી છે. 
 
તેનો ઉપયોગ કરીને કર્મચારીઓ તેમનું પ્રોવિડન્ટ ફંડ એક કંપનીમાંથી ખેંચીને બીજી કંપનીમાં લઈ જવાનો કર્મચારીઓ આગ્રહ રાખે છે.