શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮ માટેનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ ૫ જૂનથી પ્રથમ શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે અને ૧૦૬ દિવસનું આ સત્ર ૧૫ ઓક્ટોબર-૨૦૧૭ સુધી ચાલશે. ત્યાર બાદ ૧૬ ઓક્ટોબરથી ૫ નવેમ્બર સુધી ૨૧ દિવસનું દિવાળી વેકેશન પડશે. ત્યાર બાદ ૬ નવેમ્બરથી ૧૪૦ દિવસના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે અને ૩૦ એપ્રિલ સુધી બીજુ શૈક્ષણિક સત્ર ચાલશે. ત્યાર બાદ ૧ મેથી ૪ જૂન સુધી ૩૫ દિવસનું ઉનાળું વેકેશન રહેશે.

એકેડેમિક કેલેન્ડર પ્રમાણે પ્રથમ સત્રમાં ૧૦૬ દિવસનું શૈક્ષણિક કાર્ય અને ૮ દિવસ જાહેર રજા રહેશે. જ્યારે બીજા શૈક્ષણિક સત્રમાં ૧૪૦ દિવસ શૈક્ષણિક કાર્ય અને ૧૧ દિવસ જાહેર રજા રહેશે. આમ બે સત્રમાં ૨૪૬ દિવસ શૈક્ષણિક કાર્ય કરાશે અને ૧૯ દિવસ જાહેર રજા રહેશે. આ ઉપરાંત ૨૧ દિવસ દિવાળી વેકેશન, ૩૫ દિવસ ઉનાળું વેકેશન અને ૫ સ્થાનિક રજા મળી કુલ ૮૦ જેટલી રજાઓ રહેશે.

શૈક્ષણિક વર્ષ દરમિયાન સૌથી વધુ જુલાઈ અને જાન્યુઆરીમાં અભ્યાસના ૨૬ દિવસ રહેશે. જ્યારે સૌથી ઓછા દિવસ ઓક્ટોબરમાં માત્ર ૧૧ દિવસ જ અભ્યાસના રહેશે. શિક્ષણ બોર્ડની ધોરણ-૯ અને ધોરણ-૧૦ની FA-1ની પરીક્ષા ૨૨ જૂલાઈ સુધીમાં લેવાશે. જ્યારે FA-2ની પરીક્ષા ૯ સપ્ટેમ્બર સુધીમાં લેવાશે. SA-1 એટલે કે પ્રથમ કસોટી ૧૪ સપ્ટેમ્બરથી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવશે.

જ્યારે FA-3ની પરીક્ષા ૯ ડિસેમ્બર સુધીમાં લેવાશે અને ધોરણ-૯ની FA-4ની પરીક્ષા ૨૦ ફેબ્રુઆરી સુધીમાં લેવાશે. જ્યારે ધોરણ-૧૦ની FA-4ની પરીક્ષા ૨૦ જાન્યુઆરી સુધીમાં લેવામાં આવશે. જ્યારે ધોરણ-૯ની SA-2ની પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા ૫ એપ્રિલથી ૧૩ એપ્રિલના રોજ યોજાશે. જ્યારે ધોરણ-૧૦ની શાળાકીય પરીક્ષા ૨૯ જાન્યુઆરીથી ૭ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે.