ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં અનેક મહત્ત્વના અને દૂરગામી અસરકર્તા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં સેમેસ્ટર પ્રથા રદ્દ કરીને વાર્ષિક પરીક્ષા લેવામાં આવશે.
જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો(ડો) નવીન શેઠે આ માહિતી આપતા જણાવ્યું હતું કે હવેથી ડિગ્રી કોલેજોની જેમ ડિપ્લોમામાં પણ પેપરોનું રિએસેસમેન્ટ કરાવી શકાશે. આજની બેઠકમાં લેવામાં આવેલા કેટલાક ખાસ નિર્ણયોમાં એક પેપરની પરીક્ષામાં વિધાર્થી નાપાસ થાય તેને ફરી તે પરીક્ષા આપવાની બાકી હોય તો પછીના વર્ષની પરીક્ષાની સાથે જ તે આપી શકશે. ડિપ્લોમા અભ્યાસક્રમોમાં નિર્ણયો લેવાની યુનિવર્સિટીને સત્તા હોય છે તેના ઉપયોગથી આજની કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા. અત્યાર સુધી એક કે બે વિષયમાં નાપાસ હોય એવા વિધાર્થીને પેપરના રિએસેસમેન્ટની છુટ અપાતી હતી. હવેથી બેથી વધારે પરીક્ષામાં નાપાસ હોય તેવા વિધાર્થીઓને પણ રિએસેસમેન્ટની મંજૂરી આપવાનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો