રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે ડિજિટલાઇઝેશન થકી નવતર પહેલ
ધોરણ-૧૦,૧૨ના ચાર કરોડથી વધુ વિદ્યાર્થીઓના દસ્તાવેજોનું ડિજિટલાઇઝેશન સંપન્ન

ધોરણ-૧૦,૧૨ના વિદ્યાર્થીઓ ઘરે બેઠા ડુપ્લીકેટ ગુણપત્રક, પ્રમાણપત્ર મેળવી શકશે:
આ પ્રકારની સેવાઓ વિદ્યાર્થીઓ માટે લાભદાયી: શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

વર્ષ ૧૯૫૨ થી અત્યાર સુધીના કોઈપણ વર્ષના ઓલ્ડ એસ.એસ.સી સહિત ધોરણ-૧૦,૧૨ ના ડુપ્લીકેટ ગુણપત્રક, પ્રમાણપત્રો ઓનલાઇન અરજી દ્વારા મેળવી શકાશે

             ધોરણ-૧૦,૧૨ના વિદ્યાર્થીઓ ઉપરાંત ઓલ્ડ એસ.એસ.સી ના વિદ્યાર્થીઓ/અરજદારો હવે માત્ર ઓનલાઈન અરજી કરીને ગુણપત્રકપ્રમાણપત્ર, માઈગ્રેશન તથા સમકક્ષતા પ્રમાણપત્ર મેળવી શકે તેવી ડિજિટલ સેવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરી પાડવામાં આવશે. આ સેવાનો શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થી સેવા કેન્દ્રમાં શુભારંભ કરાવ્યો હતો. આ  ડિજિટલ સેવા અંતર્ગત માધ્યમિક શિક્ષણ બોર્ડ વર્ષ ૧૯૫૨ થી ૧૯૭૫ સુધી ધોરણ ૧૧ ઓલ્ડ એસ.એસ.સી અને વર્ષ ૧૯૭૬ થી ધોરણ ૧૦ વર્ષ ૧૯૭૮ થી ધોરણ ૧૨  અને અત્યાર સુધીમાં ૪.૧૯ કરોડ થી વધુ વિદ્યાર્થીઓના પરિણામના રેકર્ડમાં ૪૦,૬૯,૪૫૫ પેજનું સ્કેનિંગ કરી તેનું ડિજિટલાઈજેશન કરી સોફ્ટ કોપીમાં ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. આ ડેટા તૈયાર થઇ જતાં હવે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની ડુપ્લીકેટ માર્કશીટ, પ્રમાણપત્ર, માઈગ્રેશન સર્ટિફિકેટ જેવા પ્રમાણપત્રો માટેની અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીને હવે ઘરે બેઠાં જ જરૂરી દસ્તાવેજો મળી જશે તે માટે ની જરૂરી ફી પણ ઓનલાઈન ભરી શકાશે.

શિક્ષણ ક્ષેત્રે ડિજિટલાઇઝેશન                             ..૨..

વિદ્યાર્થીઓ-અરજદારો બોર્ડે તૈયાર કરેલ એપ્લિકેશન અથવા બોર્ડની વેબસાઇટ પરથી અરજી કરી શકશે. આ અરજી ચકાસીને જે તે પ્રમાણપત્ર તૈયાર કરી ત્રણ દિવસમાં વિદ્યાર્થીના સરનામે પોસ્ટ કરી દેવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ અરજદારો ને ઘરે બેઠા પ્રમાણપત્રો મળી શકશે. આ ઓનલાઇન પ્રક્રિયાના કારણે વાર્ષિક અંદાજિત ૫૦ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને જરૂરી દસ્તાવેજ મેળવવા માટે થતા આવન-જાવન ખર્ચ અને સમયમાં બચત થશે. દસ્તાવેજોનું ડિજીટલાઇઝેશન થવાને કારણે રેકર્ડ ત્વરિત- સરળતાથી કમ્પ્યુટર મારફતે શોધી અરજદારોને મોકલી શકાશે. આ રેકર્ડ ડિજિટલાઇઝ હોવાથી આગ, પાણી, ઉધઈ જેવી કુદરતી આપત્તિથી સુરક્ષિત રહેશે.