નવી દિલ્‍હી તા.૩૦ : કેન્‍દ્ર સરકારની યોજનાઓમાં બે-ચાર હજાર રૂપિયાના માનદ્દ વેતન પર કામ કરતા કરોડો કર્મચારીઓને વર્કર (શ્રમિકો)નો દરજ્‍જો મળી શકે છે.
    સ્‍વાસ્‍થ્‍ય યોજનાઓમાં લાગેલા આશા, ઉષા, આંગણવાડી કાર્યકરો, મીડ ડે મીલ બનાવતા રસોયા અને કોન્‍ટ્રાકટ પર કામ કરતા શિક્ષકોને સરકાર અત્‍યાર સુધી એવુ કહીને વર્કર માનવાનો ઇન્‍કાર કરતી હતી કે તેઓ સ્‍વેચ્‍છાએ કામ કરે છે તો નાણા મંત્રાલય સરકારી યોજનાઓ પર ખર્ચ વધવાની વાત કહીને માનદેય (માનદ વેતન) પર કામ કરતા વ્‍યકિતઓને વર્કર માનીને સામાજિક સુરક્ષા અને શ્રમ કાનૂનોના દાયરામાં લાવવાનો ઇન્‍કાર કરતુ હતુ. જયારે માનદ્દ વેતન પર કામ કરતા આ વ્‍યકિતઓને વર્કર માનવા પર એગ્રીમેન્‍ટ બે વર્ષ પહેલા શ્રમ સંમેલનમાં થઇ ચુકયો હતો. હવે જયારે સરકાર ફરી વાર્ષિક શ્રમ સંમેલન ફરી તૈયારી કરી રહી છે તો માનદેયવાળાને વર્કર દરજ્‍જો અપાવવાને લઇને સેન્‍ટ્રલ ટ્રેડ યુનિયન દબાણ કરી રહેલ છે. જેમાં કોંગ્રેસનું શ્રમ સંગઠન ઇન્‍ટુક અને બીજા તમામ શ્રમ સંગઠનો પણ સામેલ છે.
   વાર્ષિક શ્રમ સંમેલનનો એજન્‍ડા નક્કી કરવા માટે આવતીકાલે યોજાનારી ઇન્‍ડિયન લેબર સ્‍ટેન્‍ડીંગ કમીટીની બેઠકમાં સેન્‍ટ્રલ ટ્રેડ યુનિયન આ માટે દબાણ કરશે. શ્રમ મંત્રી ઓસ્‍કાર ફર્નાન્‍ડિઝના વડપણમાં યોજાનારી આ સ્‍ટેન્‍ડીંગ કમીટીની બેઠકમાં સેન્‍ટ્રલ ટ્રેડ યુનિયન યાદ અપાવશે કે ગત શ્રમ સંમેલનમાં જે વિષયો પર સહમતી બની હતી તેને પુર્ણ કર્યા વગર નવુ શ્રમ સંમેલન યોજવુ બરોબર નથી. સેન્‍ટ્રલ ટ્રેડ યુનિયને સરકારને આ વિષયમાં પત્ર પણ લખ્‍યો છે. 
   આ પત્રમાં અસંગઠિત શ્રમિકો માટે ન્‍યુનતમ વેતન અને પેન્‍શનની વાત પણ એવુ કહીને લખવામાં આવેલ છે કે આ અંગેનો નિર્ણય લેવામાં શા માટે વિલંબ થાય છે ? સેન્‍ટ્રલ યુનિયનનું કહેવુ છે કે, શ્રમિકોની તંદુરસ્‍તી અને સુરક્ષાની વાત પણ સરકારે ભુલાવી દીધી છે અને આ વિષય પણ નવો થઇને ગત શ્રમ સંમેલનનો જ છે.  સેન્‍ટ્રલ ટ્રેડ યુનિયનના પ્રમુખ અને ઇન્‍ટુકના અધ્‍યક્ષ સંજીવ રેડ્ડીએ જણાવ્‍યુ છે કે ગત શ્રમ સંમેલનમાં નક્કી કરવામાં આવેલા વિષયો પર અત્‍યાર સુધી કામ થયુ નથી તો એચએમએસના મહામંત્રી સિધ્‍ધુએ કહ્યુ છે કે સરકારે માનદેયવાળા કર્મચારીઓને વર્કરનો દરજ્‍જો આપવો જ પડશે કારણ કે આ નવી વાત નથી, જુની બાબત છે. તેમણે કહ્યુ છે કે ૮ થી ૧૦ કલાક માનદ વેતન પર કામ કરવુ તે શોષણ છે અને હવે તેને શ્રમ કાનૂનના દાયરાની બહાર રાખી ન શકાય. તેમણે કહ્યુ છે કે શ્રમ સંમેલનમાં વડાપ્રધાન સામેલ થાય છે અને તેની કમીટી સરકાર બનાવે છે અને જયારે કમીટી કોઇ નિર્ણય લ્‍યે તો તેનાથી સરકાર મોઢુ ફેરવી શકે નહી.