ગુજરાત સરકાર દ્વારા મહેસુલ વિભાગના તલાટીઓની વર્ગ ૩ની જગ્યા ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ. જેની છેલ્લી તારીખ ૩૦
જાન્યુઆરી અને પોસ્ટ ઓફિસમાં પૈસા ભરવા માટે છેલ્લી તારીખ ૩૧ હતી.
ગઇકાલે સાંજની સ્થિતી મુજબ ૧પ૦૦ જગ્યાઓ માટે ૮,૩૮,૦૦૦ જેટલા યુવક યુવતીઓએ
અરજી કર્યાનું સરકારી સુત્રો જણાવે છે. તા. ૧૬ ફેબ્રુઆરીએ ગુજરાતના તમામ
જીલ્લા મથકો પર વૈકિલ્પક જવાબવાળી પધ્ધતીથી પરીક્ષા લેવામાં આવશે. સરકારે
પરીક્ષા પધ્ધતીને સંપુર્ણ પારદર્શક ગણાવી વચેટિયાઓથી ચેતવા ઉમેદવારોને
અપીલ કરી છે.
ગુજરાતમાં
અત્યાર સુધીમાં વર્ગ ૩ની ભરતી માટે જેટલી પરીક્ષા લેવાયેલ છે તેમાં આટલા
મોટા પ્રમાણમાં ઉમેદવારોનો ધસારો પ્રથમ વખત થયો છે. ૮ લાખથી વધુ ઉમેદવારો
થતા અગાઉના તમામ વિક્રમ તુટી ગયા છે. લેખિત પરીક્ષા પછી મેરિટ લીસ્ટ બનશે.
નોકરી મેળવનાર ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ રૂ. પ૩૦૦ ફિકસ પગાર અને ત્યાર
બાદ સરકારી નિયમ મુજબ પગાર ભથ્થા મળવા પાત્ર થશે. મહેસુલ
વિભાગમાં તલાટીઓની ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવાતા એક પખવાડિયાની મુદતમાં
૮,૩૮,૦૦૦ જેટલી અરજીઓ સરકારને મળી છે. તે મુજબ ૧પ૦૦ જગ્યાઓ પૈકી
પ્રત્યેક જગ્યા માટે સરેરાશ પ૬૦ ઉમેદવારો ગણાય. રાજકોટ શહેર જીલ્લામાંથી
૩પ૦૦૦ જેટલા યુવક-યુવતીઓએ અરજી કરી છે. તમામ ઉમેદવારોની પરીક્ષા
ફેબ્રુઆરીએ બપોરે ૧૨ થી ૧ લેવામાં આવશે. તમામ જીલ્લા મથકો અને જરૂર પડે તો
નજીકના કેન્દ્રોમાં પરીક્ષા લેવાની વ્યવસ્થા ગોઠવાશે.
સરકારે
નકકી કર્યા મુજબ કુલ ૧૦૦ ગુણનું હેતુલક્ષી પ્રશ્નોનું પેપર રહેશે. જેમાં
ઉમેદવારે ખરા જવાબ માટે સામે નિશાની કરવાની રહેશે. કુલ ૧૦૦ ગુણ પૈકી
ગુજરાતી ભાષાના ૨૦ ગુણ, વ્યાકરણના ૧પ ગુણ, અંકગણિતના ૧પ ગુણ, અંગ્રેજી
વ્યાકરણના ૧પ ગુણ અને સામાન્ય જ્ઞાનના ૩પ ગુણ રહેશે. ફેબ્રુઆરી અંત
સુધીમાં પરીણામ જાહેર કરી નોકરીના હુકમ આપવાનો સરકારનો પ્રયાસ છે.
મહેસુલ વિભાગના સંયુકત સચિવ અને પરીક્ષા ભરતી
સમિતિના સભ્ય સચિવે અખબારી યાદીમાં જણાવ્યુ છે કે કેટલાક તત્વો મહેસુલી
તલાટીની નોકરી અપાવવાના વચનો આપી ઉમેદવારની મજબુરીનો લાભ ઉઠાવી નાણા
પડાવતા હોવાની ફરીયાદો સરકારને મળી છે. આ બાબત ખુબજ ગંભીર છે. આવી
ગેરકાનુની પ્રવૃતિથી બચવા સરકાર ઉમેદવારોને ચેતવે છે. મહેસુલ વિભાગ આ
પરીક્ષા ગુણવતાના ધોરણે સંપુર્ણ પારદર્શક પધ્ધતીથી લેવા માટે કટીબધ્ધ છે.
તમામ કલેકટરોને આ અંગે કડક હાથે કામ લેવા સુચના અપાયેલ છે. જો કોઇ વ્યકિત
નાણાની માંગણી કરે તો તુરંત જ લાંચ રૂશ્વત બ્યુરોના ધ્યાને મુકવા અપીલ
છે. એસીબીને ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૪૪૪૪૪ ઉપર જાણ કરવી.