સોશિયલ મિડીયામાં વોટ્સએપને ટક્કર આપવા આવી ગઇ નવી એપ્સ - ટેલિગ્રામ

યુવાનોમાં દિવસે અને દિવસે સોશિયલ મિડીયાનો ક્રેઝ વધતો જાય છે.ફેસબુકથી શરૂ કરી વોટસએપ વાપરનારા લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. હવે વોટસએપ એપ્સને ટક્કર આપવા માટે નવી એપ્સ આવી ગઇ છે અને હવે ટેલિગ્રામ એપ્સ લોકોને ઘણાં લાભ આપી શકે છે.ભારત સરકારે ટેલિગ્રામ સર્વિસ ભલે બંધ કરી દીધી, પણ હવે એન્ડ્રોઇડ અને આઇફોન પર આ નામની એક મેસેન્જર-સર્વિસ આવી છે જે વોટ્સએપ કરતાં પણ એડ્વાન્સ છે. પોતાના બધા ફ્રેન્ડ્સ અને કોન્ટેક્ટ્સ સાથે કનેક્ટેડ રહેવા માટે આજે લોકોમાં આ ફ્રી ચેટ કે મેસેન્જર એપ્લિકેશન મસ્ટ થઈ ગઈ છે. વોટ્સએપ પછી વાઇબર, લાઇન, વીચેટ જેવી બીજી પણ કેટલીક એપ્લિકેશન આવી, પણ વોટ્સએપ સામે એ ના ટકી શકી. જોકે ટેલિગ્રામ નામની મેસેન્જર-સર્વિસ એનાં સેફ્ટી ફીચર્સને લીધે લોકોને આકર્ષી શકશે એવું માનવામાં આવી રહ્યું છે.

ટેલિગ્રામ એટલે દુનિયાની નવીનક્કોર મેસેન્જર એપ્લિકેશન જે ફાસ્ટ છે, સિમ્પલ છે, સિક્યોર છે અને ફ્રી છે. ટેલિગ્રામનું મુખ્ય એટ્રેક્શન એટલે વોટ્સએપમાં જ્યાં ફક્ત ૫૦ જણને જ એક ગ્રુપમાં રાખી શકાય છે ત્યાં ટેલિગ્રામમાં વધુમાં વધુ ૨૦૦ મેમ્બર્સનું એક ગ્રુપ બનાવવું શક્ય બનશે. એ સિવાય ટેલિગ્રામમાં એક ગીગાબાઇટ સુધીની સાઇઝના વિડિયો તેમ જ ઓડિયો સેન્ડ-રિસીવ કરી શકાશે. એ સિવાય ચેટમાં જેટલી પણ આઇટમ હોય એને ફ્રીમાં મોબાઇલમાં સ્ટોર કરી શકાશે. ટેલિગ્રામનું સૌથી એટ્રેક્ટિવ ફીચર છે સીક્રેટ ચેટ. એમાં તમે કોઈ પણ મેમ્બર સાથે સીક્રેટ મેસેજિંગ ચેટ કરી શકો છો. એ ચેટના મેસેજિસ ફક્ત ચેટિંગ જેટલો સમય ચાલુ હોય એટલો સમય જ ડિવાઇસમાં રહેશે અને ત્યાર પછી આપોઆપ ડિલીટ થઈ જશે.

ટેલિગ્રામ મેસેન્જરનું કદાચ સૌથી સારું અને ઇન્ટરેસ્ટિંગ ફીચર છે સેલ્ફ-ડિસ્ટ્રક્ટ ટાઇમર, જેમાં મોકલેલા મેસેજિસ માટે એપ્લિકેશનના સેટિંગ્સમાં જઈને બે સેકન્ડથી લઈને એક અઠવાડિયા સુધીનો સમય સેટ કરી શકાશે. જેટલો સમય સેટ કયોર્ હશે એટલો જ સમય એ મેસેજ રહેશે અને ત્યાર પછી તમારા અને મેસેજ રિસીવ કરનાર વ્યક્તિ બન્નેના ફોનમાંથી એ મેસેજ આપોઆપ ડિલીટ થઈ જશે.

આમ, ટેલિગ્રામ વોટ્સએપથી વધુ ઇમ્પ્રૂવ્ડ લાગી રહ્યું છે, પણ સૌથી મોટી સમસ્યા એ છે કે એમાં વોઇસ મેસેજ નથી. એ સિવાય ઇન્સ્ટૉલ કરવામાં ફોન-નંબર વેરિફિકેશન વગેરેમાં સમય લાગે છે. હાલમાં આ મેસેન્જર સર્વિસની સૌથી બોરિંગ વાત એ છે કે એ નવી છે, વધુ લોકોએ ઇન્સ્ટોલ નથી કરી એટલે તમારા ફ્રેન્ડ્સ ટેલિગ્રામ વાપરવાનું શરૂ કરે ત્યાં સુધી તમારે એનાં ફીચર્સ વાપરવાની રાહ જોવી પડશે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડથી ચાલતા સ્માર્ટફોનમાં ગૂગલ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે જે ફ્રી છે. આઇફોન માટે iTunes પર પણ આ એપ્લિકેશન ઉપલબ્ધ છે.