જિલ્લા
શિક્ષણાધિકારીઓની તૈયાર થયેલી વેબસાઈટ પૈકીની મોટાભાગની વેબસાઈટ છેલ્લા બે
વર્ષથી અપડેટ કરાતી નથી. અમદાવાદ શહેર-જિલ્લા શિક્ષણાધિકારીની સત્તાવાર
વેબસાઈટ www.deoahmedabad-urban.org નામની
વેબસાઈટ પણ બાકાત નથી. શિક્ષણ વિભાગે રાજ્યભરની શાળા અને કોલેજને અલાયદી
વેબસાઈટ બનાવીને તેમાં લેટેસ્ટ પરિપત્ર માહિતી આપવા, બોર્ડના પરીક્ષા
કાર્યક્રમની માહિતી, પરિપત્રને ડાઉનલોડ કરવા તથા રાજ્યના શિક્ષણ વિભાગની
અલગ-અલગ શૈક્ષણિક એજન્સી તથા તેમની વેબસાઈટોની માહિતી-લિંક પણ મૂકવા તેમજ
આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનો જવાબ આપવાનો આદેશ કર્યો હતો.
આ આદેશના પગલે અમદાવાદ શહેર-જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની સત્તાવાર
વેબસાઈટ બનાવી હતી. આ વેબસાઈટમાં કોઈ માહિતી અપડેટ કરાઈ નથી. જેથી શાળાના
આચાર્ય અને શિક્ષકોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. શાળાના આચાર્યોનો દાવો
છે કે ડીઈઓની વેબસાઈટ અપડેટ ન થવાથી શાળાને સમયસર પરિપત્ર મળતું નથી, તેમજ
કોઈ મુશ્કેલી હોય તો તેનું ઈ-માધ્યમથી ઝડપી નિરાકરણ લાવી શકતું નથી. આ
ઉપરાંત સામાન્ય કામ માટે પણ ડીઈઓ કચેરીમાં આંટાફેરા મારવા પડે, વેબસાઈટ પર
વિવિધ પ્રકાર અને સમયાંતરે મૂકેલા પરિપત્ર અને આદેશોના કાગળોને ગમે
ત્યારે ડાઉનલોડ કરી શકાતા નથી. શિક્ષકો પોતાના વિવિધ પ્રશ્નો અંગે પણ
લેખિતમાં ઈ-મેલ મોકલીને માર્ગદર્શન માગી ઈ-મેલ તથા વેબસાઈટ પર રજૂ કરેલા
પ્રશ્નો તેના પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાતા નથી. એટલું જ નહીં જિલ્લાની
અન્ય શાળાના શિક્ષકો સાથે ગ્રૂપ ચેટ કરવાની સાથે વિષયને લગતા
પ્રશ્ન-માર્ગદર્શન અંગે એકબીજાને મદદ પણ મળી શકતી નથી.
બીજી
બાજુ જિલ્લા શિક્ષણ અધિકારીના સુત્રોના જણાવ્યા મુજબ ડીઈઓ કચેરીની જે
વેબસાઈટ તૈયાર કરનાર એજન્સીનો કોન્ટ્રાક્ટ શિક્ષણ વિભાગે રદ કરતાં જ
અપડેટની કામગીરી બંધ થઈ છે. ટેકનીકલ કારણોસર જ કંપનીને દૂર કરાઈ હોવાની
જાણકારી છે.