ડિપ્‍લોમા એન્‍જિ.માં પ્રવેશ માટે ૪૫૨૧૭નું ચોઈસ લોક કરાયું પ્રથમ રાઉન્‍ડનું મેરીટ લીસ્‍ટ ૧૧ જુલાઈએ જાહેર : બીજા રાઉન્‍ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાની તૈયારી શરૂ

ધોરણ-૧૦ બાદ ડિપ્‍લોમા એન્‍જીનીયરીંગમાં પ્રવેશ પ્રક્રિયાનાં પ્રથમ રાઉન્‍ડ પૂર્ણ થઈ ચુક્‍યો છે. આ પ્રથમ રાઉન્‍ડમાં કુલ ૪૫૨૧૭ વિદ્યાર્થીઓએ ચોઈસ લોક કરી હતી જ્‍યારે પ્રથમ રાઉન્‍ડનું મેરીટ લીસ્‍ટ આગામી તા. ૧૧ જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે ત્‍યારબાદ જરૂર પડશે તો બીજા રાઉન્‍ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ધોરણ-૧૦ બાદ ડિપ્‍લોમા એન્‍જીનયીરીંગમાં પ્રવેશ માટેની પ્રવેશ પ્રક્રિયા એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્‍લોમા કોર્સીસ દ્વારા હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત પ્રથમ રાઉન્‍ડની પ્રવેશ પ્રક્રિયા ચોઈસ ફિલીંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે. પ્રથમ રાઉન્‍ડમાં મેરીટ લીસ્‍ટમાં સમાવિષ્ટ ૫૮,૬૬૮ ઉમેદવારોમાંથી ૫૩,૫૧૮ ઉમેદવારો દ્વારા ચોઈસ ફિલીંગ કરવામાં આવ્‍યું છે ત્‍યારે હવે એડમિશન કમિટી ફોર પ્રોફેશન ડિપ્‍લોમાં કોર્સીસ દ્વારા પ્રથમ રાઉન્‍ડનું મેરીટ લીસ્‍ટ આગામી ૧૧મી જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. મેરીટ લીસ્‍ટ જાહેર થયા બાદ જે વિદ્યાર્થીઓનો મેરીટમાં નંબર આવતો હોય તેમને તા. ૧૧ જુલાઈથી ૧૬ જુલાઈ દરમ્‍યાન પંજાબ નેશનલ બેંકની નિયત શાળાઓ પરથી ફી ભરીને નજીકના હેલ્‍પ સેન્‍ટર ખાતે જઈને પ્રવેશ કાયમ કરાવવાનો રહેશે. ત્‍યારબાદ જરૂર પડયે બીજા રાઉન્‍ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓમાં ધોરણ-૧૦ પછી ડિપ્‍લોમામાં પ્રવેશ લેવાની જગ્‍યાએ ધોરણ-૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેવાનું પ્રમાણ વધ્‍યું હોવાથી ચાલુ વર્ષે ડિપ્‍લોમા એન્‍જીનીયરીંગની ૧૦,૦૦૦ કરતા વધુ બેઠકો ખાલી પડી રહે તેવી શક્‍યતા છે.