કર્ણાટકના એક ગામમાં બોલાય છે અજીબ ભાષા, જાણીને તમને પણ લાગશે નવાઇ(Offbeat) - નવી દિલ્હી, 6 ડિસેમ્બર
દેશમાં અત્યારે કેન્દ્રીય વિદ્યાલયમાં સંસ્કૃત ભણાવાય કે જર્મન ભણાવાય તેનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે કર્ણાટકમાં એક એવું ગામ છે જ્યાં દરરોજ લોકો સંસ્કૃત ભાષામાં જ વાતચીત, વ્યવહાર કરે છે અને તે પણ એટલે સુધી કે તમારે શાકભાજી ખરીદવાં હોય તો પણ સંસ્કૃતમાં જ વાત કરવી પડે છે.
કર્ણાટકમાં મતૂરુ નામનું ગામ આવેલું છે અને આ ગામ એવું છે કે જ્યાં સંસ્કૃત દરરોજની ભાષા બની ગઈ છે અને આ બદલાવ આજકાલનો નહીં પણ 32 વર્ષ પહેલાં આવ્યો હતો. 32 વર્ષ પહેલાં સ્વીકાર કરાયેલા એક પડકારને કારણે અહીં આ બદલાવ આવ્યો હતો. 1981-82 સુધી તો રાજ્યની કન્નડ ભાષા જ બોલાતી હતી, કેટલાંક લોકો તામિલ પણ બોલતાં હતાં, કારણ કે પાડોશી તામિલનાડુ રાજ્યમાંથી ઘણાબધા મજદૂર આશરે 100 વર્ષ પહેલાંથી અહીં કામ કરવા માટે આવીને વસ્યાં હતાં.
આ ગામના રહીશ અને સ્થાનિક શિમોગા કોલેજમાં વાણિજ્ય વિષય ભણાવતા પ્રોફેસર એમબી શ્રીનિધિએ જણાવ્યું હતું કે હકીકતમાં આ તો પોતાનાં મૂળ તરફ પાછા ફરવાનું એક આંદોલન હતું, જે સંસ્કૃતવિરોધી આંદોલનની સામે શરૃ થયું હતું. સંસ્કૃતને બ્રાહ્મણોની ભાષા કહીને ટીકા કરાતી હતી અને સંસ્કૃતને અચાનક જ નીચે પાડીને તેની જગ્યાએ કન્નડને આપવામાં આવી, એ પછી થંજાવર મઠના સ્વામીએ આ ગામને સંસ્કૃતભાષી ગામ બનાવવાનું આહ્વાન કર્યું. અમે બધાએ પણ સંસ્કૃતમાં વાતચીત કરવાનો નિર્ણય કરીને એક નકારાત્મક પ્રચારને સકારાત્મક વળાંક આપી દીધો.
માત્ર 10 દિવસ સુધી રોજ બે કલાકના અભ્યાસથી આખું ગામ સંસ્કૃતમાં વાતચીત કરતું થઇ ગયું હતું ત્યારથી 3,500ની વસતી ધરાવતાં આ ગામમાં કેવળ સંકેથી બ્રાહ્મણ જ નહીં પણ અન્ય સમુદાયનાં લોકો પણ સંસ્કૃતમાં જ વાત કરે છે. આખા દેશમાં લગભગ 3,500 સંકેથી બ્રાહ્મણ છે. સ્થાનિક સ્કૂલ શારદાવિલાસમાં 400માંથી 150 વિદ્યાર્થીઓ ધો.6થી 8 સુધી સંસ્કૃત ભણે છે.