બી.એડ્. અને એમ.એડ્. અભ્યાસક્રમ બે વર્ષનો કરાયો


શિક્ષક અને અધ્યાપક તરીકેની લાયકાત મેળવવા માટેના બી.એડ્. અને એમ. એડ્. અભ્યાસક્રમની એક વર્ષની મુદતમાં વધારો કરીને બે વર્ષનો કરાયો છે. નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન (એનસીટીઈ)એ કરેલા નિર્ણયનો આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૧૫થી અમલ કરાશે. એક વર્ષના અભ્યાસક્રમમાં પણ રાજ્યની બી.એડ્., એમ.એડ્. કોલેજોને વિદ્યાર્થીઓ મળવામાં મુશ્કેલી પડે છે ત્યારે બે વર્ષનો અભ્યાસક્રમ કરવાથી વિદ્યાર્થીઓ મળશે કે કેમ તે યક્ષપ્રશ્ન છે. આ મુદ્દે શિક્ષણવિદો અને શિક્ષણશાસ્ત્રીઓએ એનસીટીઈના નિર્ણયને અયોગ્ય અને પાયાવિહોણો ગણાવવા સાથે બી.એડ્. અને એમ.એડ્. કોલેજોને તાળાં મારનારો ગણાવ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં બી.એડ્. અને એમ.એડ્.નો અભ્યાસક્રમ એક વર્ષ માટેનો હતો. એનસીટીઈએ આ બંને અભ્યાસક્રમની સમયમર્યાદા વધારીને બે વર્ષની કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને પગલે આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૧૫થી વિદ્યાર્થીઓને આ બંને અભ્યાસક્રમની ડિગ્રી બે વર્ષ પછી મળશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બી.એડ્.ની ૪૫૦ જેટલી કોલેજો આવેલી છે જ્યારે એમ.એડ્.ની ૧૦૦ જેટલી કોલેજો આવેલી છે. બી.એડ્. માટે વિદ્યાર્થીઓએ ૩૫થી ૪૦ હજારની ફી ભરવાની હોય છે જ્યારે એમ.એડ્. માટે ૫૫થી ૬૦ હજારની ફી ભરવાની થાય છે. રાજ્યની બી.એડ્. અને એમ.એડ્. કોલેજોમાં એક વર્ષનો અભ્યાસક્રમ હોવા છતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી વિદ્યાર્થીઓ મળતા ન હોવાથી અનેક બેઠકો ખાલી રહે છે. આ સ્થિતિમાં શિક્ષણવિદો એનસીટીઈનો નિર્ણય કોલેજો માટે નુકસાનકારક સાબિત થનારો ગણાવી રહ્યા છે.