રાજ્યમાં
યોજાનારી બોર્ડની પરીક્ષા માટે સીસીટીવી હોય તેવી સ્કૂલોને જ સેન્ટર
બનાવવાનું નક્કી કરાયા બાદ હવે મોટાભાગની સ્કૂલો વર્ગખંડમાં સીસીટીવી
લગાવતી થઈ છે. જેના લીધે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ પર સીસીટીવીથી નજર
રાખી શકાશે. આ સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સ્કૂલના ગેટ પર, મેદાનમાં
અને ઓસરીમાં કે જ્યાં લોકોની અવર જવર રહેતી હોય ત્યાં સીસીટીવી લગાવવા માટે
આદેશ અપાયો છે. જેના પગલે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા પણ જળવાશે. આ
માટે સત્તવાર પરિપત્ર થયા બાદ સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે
ગેટ પર સીસીટીવી લગાવવાનું શરૂ કર્યુ હોવાનું જાણવા મળે છે. ઘણી સ્કૂલોએ તો
સીસીટીવી લગાવી પણ દીધા છે. રાજ્યમાં માર્ચ-૨૦૧૫માં યોજાનારી બોર્ડની ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાઓને લઈને સ્કૂલોમાં હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બોર્ડ દ્વારા જે સ્કૂલોમાં સીસીટીવીની સુવિધા હોય તેવી સ્કૂલોને જ કેન્દ્ર તરીકે મંજુરી આપવાનું નક્કી કર્યુ છે. જેના પગલે આગામી પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓ સીસીટીવીની બાજ નજર હેઠળ પરીક્ષા આપશે. આ માટે સ્કૂલોમાં સીસીટીવી લગાવવાની કવાયત હાથ ધરાઈ છે. જેમાં મોટાભાગની સ્કૂલોએ તો વર્ગખંડોમાં સીસીટીવી લગાવી દીધા છે, જ્યારે કેટલીક સ્કૂલોમાં હજુ સીસીટીવી કેમેરા લગાવવાના બાકી હોઈ તેમણે પણ સીસીટીવી લગાવવાનું શરૂ કરી દીધું છે. બીજી બાજુ પેશાવરમાં સ્કૂલમાં બનેલી ઘટના બાદ રાજ્યની સ્કૂલોમાં પણ સુરક્ષાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં મોટાભાગની સ્કૂલો હવે સ્કૂલના મુખ્ય ગેટ તથા મેદાન સહિતની જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવી સ્કૂલની સુરક્ષા વધુ મજબુત કરવાનું શરૂ કરી દીધું છે. મહેસાણા જિલ્લામાં તો સાંસદ સભ્યએ સીસીટીવી લગાવવા માટે ડીઈઓને સૂચન કર્યુ હતું. જેના પગલે ડીઈઓએ સ્કૂલોને પરિપત્ર કરી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને મુખ્ય ગેટ પર તથા મેદાન અને ઓસરીમાં સીસીટીવી લગાવવા આદેશ કર્યો છે. જ્યારે અન્ય જિલ્લામાં પણ સ્કૂલો પોતાની રીતે સુરક્ષા માટે મુખ્ય ગેટ પર સીસીટીવી લગાવી રહી હોવાનું જાણવા મળે છે. હાલમાં સ્કૂલો દ્વારા પરીક્ષા માટે વર્ગખંડોમાં અને સુરક્ષા માટે ગેટ પર પણ સીસીટીવી લગાવાઈ રહ્યા છે. |