ગુજરાત યુનિવર્સિટીના આર્ટસ ફેકલ્ટીના ડીન અને સ્પોર્ટસના પ્રોફેસર ધરમસિંહ દેસાઇ કહે છે યોગને ફરજિયાત કરતાં પહેલા કેટલીક માળખાકીય વ્યવસ્થા જરૂરી છે. જે કોલેજમાં યોગ શીખવવાનો હોય તે સવારની હોવી જોઇએ. આ વિષય કલાસમાં બેસાડીને થીયરીના આધારે ભણાવી શકાય તેમ નથી તેના માટે પ્રેક્ટિકલ ફરજિયાત છે. આ ઉપરાંત દરેક વિદ્યાર્થી યોગ માટે અનુકુળ હોય તે પણ જરૂરી નથી. શારીરિક રીતે પણ દરેક વિદ્યાર્થીને યોગ માફક આવશે તેવું હોતું નથી માટે યોગને ફરજિયાત કરતાં પહેલા અનેક વિચારો અને વ્યવસ્થા કરવી જરૂરી છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા આગામી દિવસોમાં સ્નાતક કક્ષાએ યોગ અને સંસ્કૃત વિષય દાખલ કરવા અંગે ભાગવત વિદ્યાપીઠ સોલાના પ્રધાન આચાર્ય હિતેન્દ્ર ગુરુજી કહે છે સંસ્કૃત એ ઋષિ પરંપરા છે તેને દરેક ભાષાની જનની ગણવામાં આવે છે. સંસ્કૃત ભાષા દેવોની ભાષા છે. જો યુજીસી દ્વારા તેને ફરજિયાત કરવાની કવાયત કરાતી હોય તો તે આવકાર્ય બાબત છે. આજ રીતે યોગ તો માનવીના ફીટનેસ માટે પણ જરૂરી છે. કૃત્રિમ ભોજનને પચાવવા માટે યોગ જેવો શ્રેષ્ઠ રસ્તો કોઇ નથી. પશ્ચિમના દેશો પણ યોગની મહત્તા સમજી રહ્યા છે ત્યારે આપણે પણ હવે તે સમજવી જરૂરી છે.
યુજીસી દ્વારા નીમાયેલી કમિટીએ આપેલા અભિપ્રાય બાદ દેશભરની કોલેજોને સૂચના અપાશે
હેમંત જોષી > અમદાવાદ



સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુ.એન.) દ્વારા તાજેતરમાં યોગ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી છે. વિશ્વ આખું હવે યોગને વિશેષ મહત્વ આપી રહ્યું છે ત્યારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ હવે આગામી વર્ષથી સમગ્ર દેશની જુદી જુદી યુનિવર્સિટીઓ અને તેની સાથે જોડાયેલી કોલેજોમાં યોગને એક વિષય તરીકે ભણાવવાનું શરૂ થાય તેવા પ્રયાસો શરૂ કરી દીધા છે. માત્ર યોગ નહીં પરંતુ સંસ્કૃત અને કોમ્પ્યૂટર પણ ફરજિયાત ભણાવવામાં આવે તે માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આગામી શૈક્ષણિક વર્ષથી સત્તાવાર રીતે આ અંગેની સૂચના તમામ યુનિવર્સિટીઓમાં આપી દેવામાં આવશે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા યોગ, સંસ્કૃત અને કોમ્પ્યૂટર એમ, ત્રણે વિષયો સ્નાતક કક્ષાએ ફરજિયાત ભણાવવામાં આવે તો શું થાય તે માટેના અભિપ્રાયો અને સૂચનો સમગ્ર દેશમાંથી મંગાવવામાં આવ્યા હતા. આ માટે ૨૨ સભ્યોની એક સંયુક્ત કમિટી પણ રચવામાં આવી હતી. જેના માધ્યમથી જુદા જુદા રાજયોની સરકાર પાસેથી સૂચનો અને અભિપ્રાયો મંગાવવામાં આવ્યા હતા. સૂત્રો કહે છે દેશની જુદા જુદા યુનિવર્સિટીઓમાં સ્નાતક કક્ષાએ હાલ જે અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે તેમાં આગામી દિવસોમાં કયા કયા ફેરફારની જરૂર છે. કયા નવા વિષયો દાખલ કરી શકયા તેમ છે અને એવા કયા વિષયો છે કે જેને અભ્યાસક્રમમાંથી તાકીદે દૂર કરવાની જરૂર છે ! તેનો નિર્ણય કરવા માટે જ ૨૨ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી દ્વારા કરાયેલા સૂચનના આધારે હવે પછી સ્નાતક કક્ષામાં યોગ અને સંસ્કૃત વિષયને ફરજિયાત દાખલ કરવાની કવાયત તેજ કરી દેવામાં આવી છે. આર્ટસ ફેકલ્ટીમાં હાલ સંસ્કૃત વિષય ભણાવવામાં આવે છે. પરંતુ કોમર્સ અને સાયન્સ જેવી ફેકલ્ટીમાં આ વિષય ભણાવાતો નથી. આજ રીતે સ્પોર્ટસ એટલે કે ફિઝિકલ એજ્યુકેશન આર્ટસ,કોમર્સ અને સાયન્સ દરેક ફેકલ્ટી ભણાવવામાં આવે છે. જૈ પૈકી કોમર્સ અને સાયન્સ જેવી ફેકલ્ટીમાં ફિઝિકલ એજ્યુકેશનની સાથે હવે યોગને જોડી દેવામાં આવશે.

સૂત્રો કહે છે યુજીસી દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકારની આખરી મંજૂરી મળ્યા પછી યુજીસી દ્વારા દેશની તમામ યુનિવર્સિટીઓને કોર્સમાં યોગ,સંસ્કૃત અને કોમ્પ્યૂટર વિષયને ફરજિયાત કોઇને કોઇ રીતે દાખલ કરવાનો આદેશ કરવામાં આવશે. આમછતાં સ્નાતક કક્ષાએ કેવી રીતે આ વિષયોનો અમલ કરવો તે દરેક રાજય સરકારોએ નક્કી કરવાનું રહેશે.