માધ્યમિકમાં ૮૦૫ને ઓર્ડર અપાયા

માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિકમાં ૧૦૯૫ શિક્ષક સહાયકની ભરતી
વિધાનસભામાં શિક્ષકોની ઘટ અંગેના સવાલો ટાળવા ભરતી પ્રક્રિયા ઝડપી બનાવાઈ
ગાંધીનગર
-- રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ નિવારવા માટે રાજ્યના શિક્ષણ વિભાગે બે દિવસમાં ૧૦૯૫ શિક્ષક સહાયકોની નિમણૂક કરી છે. બુધવારે માધ્યમિકના ૮૦૫ શિક્ષક સહાયકોને નિમણૂકના ઓર્ડર અપાયા છે જ્યારે ગુરુવારે ઉચ્ચતર માધ્યમિકના ૨૯૦ સહાયકોને પાંચ વર્ષના ફિક્સ પગાર માટે નિમણૂક અપાશે. નવી નિમણૂકોને કારણે સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટની સમસ્યા મહદ્અંશે ઉકેલાશે. અલબત્ત, આ ભરતી પછી પણ માધ્યમિકમાં ૨૦૦ જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં ૭૭ જેટલી શિક્ષકોની ઘટ રહેશે.

શિક્ષણ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુસાર રાજ્ય સરકારે ગતિશીલ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ વિભાગે કેટલાક પ્રશ્નો ઉકેલવા અગ્રતાક્રમ નક્કી કર્યો છે. જેમાં શિક્ષકોની ભરતીનો સમાવેશ કરાયો છે. સૂત્રોએ જણાવ્યું કે, વિષયદીઠ શિક્ષકોને અભાવે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધો-૯થી ધો-૧૨ સુધીના હજારો વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડતું હતું. આ સ્થિતિ નિવારવા માટે શિક્ષણ વિભાગે જાહેરાત કર્યાના ગણતરીના મહિનાઓમાં યોગ્ય ઉમેદવારોની પસંદગી કરીને નિમણૂક આપી છે. આ ભરતી માટે માધ્યમિકમાં ૧૦૧૮ જગ્યા માટે ૮૪૫ ઉમેદવારોની પસંદગી કરાઈ હતી, જેમાંથી ૮૦૫ ઉમેદવારોને બુધવારે રૂબરૂ બોલાવીને ઓર્ડર આપવામાં આવ્યા છે. જ્યારે ગુરુવારે ઉચ્ચતર માધ્યમિકની ૩૬૬ જગ્યા માટે પસંદ થયેલાં ૩૦૨ ઉમેદવારમાંથી ૨૯૦ ઉમેદવારોને નિમણૂક અપાશે.

સહાયક તરીકે પસંદ થયેલાં માધ્યમિકના ઉમેદવારોને પાંચ વર્ષ સુધી રૂ. ૧૩,૫૦૦નું જ્યારે ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારોને રૂ. ૧૩,૭૦૦નો ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષ પૂરા થયા બાદ તેમને કાયમી કરાશે. રાજ્યમાં શિક્ષકોની ઘટ-અછત અને ખાલી જગ્યા અંગેના ધારાસભ્યો, ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછાતા સવાલના જવાબમાં સરકારની પીછેહઠ થતી હોવાથી આ વખતે સત્ર યોજાય તે પહેલાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા તાકીદ કરાયાનું ચર્ચાઈ રહ્યું છે.


બુધવારે માધ્યમિકમાં ૮૦૫ને ઓર્ડર અપાયા, ગુરુવારે ઉ.મા.માં ૨૯૦ને ઓર્ડર અપાશે