સાયન્સના પરિણામ પહેલા ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ કરી દેવાશે ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટેની એડમિશન કમિટીએ પોતાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ચાલુ વર્ષે પ્રવેશની પ્રક્રિયામાં અનેક પ્રકારના ફેરફારો કરવામાં આવ્યા છે. આજ રીતે પ્રવેશના નિયમોમાં પણ મહત્વના ફેરફારો સૂચવામાં આવ્યા છે. સામાન્ય રીતે ધો.૧૨નું પરિણામ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકતાં હતા. જેના બદલે હવે પરિણામ જાહેર થયા પહેલા જ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. આ અંગે પ્રવેશ સમિતિના મેમ્બર સેક્રેટરી જી.પી.વડોદરિયા કહે છે ધો.૧૨ સાયન્સનું પરિણામ આવ્યા પછી એકસાથે પીનનંબર અને માહિતી પુસ્તિકા લેવા માટે ધસારો થતો હતો. હવે પરિણામ આવે તે પહેલા જ ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવાનું નક્કી કરાયું છે. જે વિદ્યાર્થીઓ એ ગ્રૂપમાં છે અને ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવા ઇચ્છતાં હોય તેમણે પોતાના પરિણામ આવે ત્યારબાદ રજિસ્ટ્રેશન શરૂ થાય તેની રાહ જોવાની રહેશે નહીં. આ ઉપરાંત એડમિશન પ્રક્રિયા શરૂ થયા પછી વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવવા માટે હેલ્પ સેન્ટર પર જવું પડતું હતું. એક વખત વેરિફિકેશન કરાવ્યા પછી એલોટમેન્ટની પ્રક્રિયા પછી ફરીવાર હેલ્પ સેન્ટરમાં જવું પડતું હતું. આમ, વારંવાર વિદ્યાર્થીઓએ હેલ્પ સેન્ટરમાં જવું પડતું હતું. જેના બદલે હવે એક વખત હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા પછી બીજી વખત જવાનું રહેશે નહીં. વિદ્યાર્થીઓ ઓનલાઇન એડમિશન સ્લીપ લઇને સીધા કોલેજમાં હાજર થઇ શકશે. ઉપરાંત વિદ્યાર્થીઓને પોતાના ઓનલાઇન એકાઉન્ટમાંથી ડેડ લાઇન પુરી થાય તે પહેલા જાતે જ પ્રવેશ રદ કરાવી શકશે. કોઇપણ કોલેજ વિદ્યાર્થીઓને ઓરિજનલ ડોક્યુમેન્ટ જમા લઇ શકશે નહીં. આજ રીતે કોઇપણ કોલેજ વિદ્યાર્થીઓ પાસેથી એકસાથે ચાર વર્ષની ફી પણ ઉઘરાવી શકશે નહીં. સમિતિએ નિયમો અને સુધારા જાહેર કર્યા