ફેમિલી માટે વાર્ષિક રૃા. ૩૦,૦૦૦ સુધીનો મેડિકલ ખર્ચ આવકવેરામાંથી બાદ મળશે
મેડિક્લેઇમ ન ધરાવતા પરિવારને પણ આવકવેરામાં હવે રાહત મળી શકશે
નાણાં પ્રધાન અરુણ જેટલીએ પગારદારોને પણ થોડો લાભ કરાવ્યો છે. પગારદાર તેના પરિવારના સભ્યો માટે વાર્ષિક રૃા. ૩૦,૦૦૦ સુધીનો ખર્ચ કરશે તો તે ખર્ચ આવકમાંથી સીધો બાદ કરી તેના પર વેરાનો લાભ આપી દેવામાં આવશે. આ માટે નાણાં પ્રધાને આવકવેરાની કલમ ૮૦- ડીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો કે મેડિક્લેઇમ ન હોય તેવી વ્યક્તિઓના કિસ્સામાં આ ખર્ચ આવકમાંથી બાદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે ફેમિલી મેમ્બરમાં સંતાનો, વૃદ્ધ માતા પિતા, પત્ની બધાને આવરી લેવાયા છે.
મેડિક્લેઇમ ન ધરાવનારા વેપારીઓ પણ આ સુવિધાનો લાભ લઈ શકશે. આ જ રીતે કલમ ૮૦-ડીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. વ્યક્તિગત કરદાતા કે પછી હિન્દુ અવિભક્ત પરિવાર માટે આ લાભની જોગવાઈ કરવામાં આવી છે. પરિવારનો સભ્ય કોઈ આવક ન ધરાવતો હોય અને શારીરિક વિકલાંગતાનો શિકાર બન્યો હોય તેવી વ્યક્તિની મેડિકલ ટ્રીટમેન્ટ માટે કરવામાં આવતા રૃા. ૭૫ હજારનો ખર્ચો સીધો આવકમાંથી બાદ આપી દેવામાં આવશે. અગાઉ આ ખર્ચ પેટે રૃા. ૫૦,૦૦૦ બાદ કરવામાં આવતા હતા તેમાં ય જેમની શારીરિક વિકલાંગતા વધુ ગંભીર કક્ષાની હશે તેમને રૃા. ૧.૭૫ લાખનો ખર્ચ સીધો બાદ આપવામાં આવશે. પહેલા આ માટે રૃા. ૧ લાખ સુધીનો ખર્ચ બાદ આપવામાં આવતો હતો. બીજી તરફ પગારદારોને રૃા. ૧૬૦૦ કન્વેયન્સ એલાવન્સ બાદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ તેમને રૃા. ૮૦૦ સુધીનું કન્વેયન્સ બાદ આપવામાં આવશે. આ સંજોગોમાં તેમને રૃા. ૯૬૦૦ વત્તા વધારાની રૃા. ૯૬૦૦ની આવક વેરા મુક્ત કરી આપવામાં આવી છે.
કલમ ૮૦-ડીમાં ફેરફાર કરી વિકલાંગને લાભ કરાવ્યો
વ્યક્તિ શારીરિક વિકલાંગતા ધરાવતી હોવાનું મેડિકલ ઓથોરિટી તરફથી પ્રમાણપત્ર મળે તો તેવી વ્યક્તિને પહેલા રૃા. ૫૦,૦૦૦ આવકમાંથી બાદ કરીને તેના પર વેરો લેવામાં આવતો નહોતો. તેને રૃા. ૭૫,૦૦૦ આવકમાંથી બાદ કરીને આપવામાં આવશે. હવે આવી વ્યક્તિને ગંભીર વિકલાંગતા હોય રૃા. ૧.૨૫ લાખ સુધીની આવક આવકવેરામાંથી બાદ આપવામાં આવશે આ કરદાતાઓને પહેલા રૃા. ૭૫૦૦૦ પગારમાંથી સીધા બાદ કરીને વેરાના લાભ આપવામાં આવતા હતા.
નાની કંપનીઓને પણ લાભ કરાવ્યો
મેન્યુફેક્ચરિંગ કંપનીમાં નવા વર્કરો રાખવામાં આવે તેના કુલ પગારની ૩૦ ટકા રકમ વધારાની બાદ આપવામાં આવતી હતી પહેલા આ લાભ માત્ર કંપનીઓને જ આપવામાં આવતો હતો. હવે આ લાભ કંપની ઉપરાંત ભાગીદારી પેઢી સહિતના તમામ કરદાતાઓને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ ૧૦૦ કર્મચારીઓ હોય તેવી કંપનીને જ આ લાભ આપવામાં આવતો હતો તેને બદલે હવે ૫૦ કર્મચારી કે કામદાર ધરાવતી કંપનીઓને પણ આ લાભ આપવામાં આવશે.
સ્ક્રુટિની એસેસમેન્ટના કેસમાં સમયમર્યાદા બદલાઈ
સ્ક્રુટિની એસેસમેન્ટના કેસમાં ચાર વર્ષ પછી કમિશનરની એપ્રુવલ લેવાની હતી તેના પૂર્વે જોઇન્ટ કમિશનરની એપ્રુવલ લેવાની થતી હતી. હવે સ્ક્રુટિની એસેસમેન્ટ થયું હોય કે ન થયું હોય તેવા કેસમાં દરેક તબક્કે કમિશનર સમક્ષ જ કેસ મોકલવાનો રહેશે.