સાયન્સની પરીક્ષા આપતાં હજારો વિદ્યાર્થીઓ અસંમજસમાં
પર્સન્ટાઇલ કે પર્સન્ટેજથી ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ અંગે નિર્ણય કરો
PDPU, નિરમા, ધીરૂભાઇ અંબાણી યુનિ.માં પ્રવેશ માટે સિંગલ વિન્ડોની માંગ
પીડીપીયુ, નિરમા અને ધીરૂભાઇ અંબાણી સહિતની અનેક સંસ્થાઓએ સરકાર પાસેથી સસ્તી જમીન અને અન્ય લાભો મેળવ્યા છે. આ ત્રણેય સંસ્થાઓમાં પ્રવેશ માટે સિંગલ વિન્ડોની માગણી વિદ્યાર્થીઓ અને વાલીઓ કરી રહ્યા છે. માત્ર ફોર્મના વિતરણમાંથી જ આ સંસ્થાઓ સાડા ત્રણ કરોડ વાલીઓ પાસેથી ખંખેરી લે છે. આ ઉપરાંત આ સંસ્થાઓ વિદ્યાર્થીઓ પાસેથી ૧.૫ લાખ કરતાં વધારે ફી વસુલે છે. જેથી સામાન્ય અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ આ સંસ્થાઓમાં પ્રવેશ લઇ શકતાં નથી.



-- ધો.૧૨ સાયન્સની પરીક્ષા આપતાં હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં હાલ એક પ્રશ્ન ઊઠી રહ્યો છે કે આ વર્ષે ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશની કાર્યવાહી કેવી રીતે થશે પર્સન્ટાઇલ કે પર્સન્ટેજથી/ પ્રવેશ પ્રક્રિયા અંગે સરકાર કોઇ નિશ્ચિત ધારાધોરણ અપનાવી શકતી નથી. હવે ફરીવાર પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની તૈયારી છે ત્યારે સરકારે પ્રવેશ પ્રક્રિયાને અહંમનો મુદ્દો બનાવ્યા વિના તાકીદે ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તેવા નિયમો બનાવવા જોઇએ તેવી માંગણી ઊઠી છે.

પ્રવેશ કાર્યવાહી અંગે સરકારની ચોક્કસ નીતિ ન હોવાના કારણે દરવર્ષે પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ અને લાખો રૂપિયાના ખર્ચે કાનૂની લડાઇ લડવી પડે છે. રાજ્ય સરકારે અપનાવેલી પ્રવેશ પ્રક્રિયા રદ કરીને કોર્ટ દ્વારા કડક ટીકા પણ કરાઈ હતી. વર્ષ ૨૦૧૩-૧૪ અને ૧૫માં પ્રવેશના નિયમો સરળ નહીં બનાવવાના કારણે હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓને માનસિક ત્રાસ અને હેરાનગતિ ભોગવવી પડી હતી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રવક્તા મનીશ દોશીએ આગામી વર્ષે પ્રવેશના નિયમો અને પ્રવેશની પદ્ધતિ સરળ અને ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાયકર્તા ન થાય તે રીતે વહેલી તકે જાહેર કરવા માંગણી કરી છે. ચાલુ વર્ષે હજુસુધી પર્સન્ટાઇલ કે પર્સન્ટેજ પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે તે નક્કી નથી. પરિણામે ધો.૧૨ સાયન્સના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીની સાથે સાથે ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ કેવી રીતે અપાશે તેની ચિંતા કરી રહ્યા છે. સરકારે તાકીદે આ અંગે સ્પષ્ટતાં કરવી જોઇએ તેવી માંગણી પણ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષથી અપનાવવામાં આવતી પ્રવેશ કાર્યવાહીમાં ગુજરાત બોર્ડ અથવા તો સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓને અન્યાય થતો હોવાની ફરિયાદો બહાર આવી રહી છે.