પરમેનન્ટ એકાઉન્ટ નંબર મેળવવા માટેની અરજીમાં સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ અને અમ્યુકો કે નગરપાલિકાના જન્મના દાખલા ઉપરાંત હવે સોગંદનામા પર જન્મતારીખની કરેલી જાહેરાતને પણ માન્ય રાખવાનો નિર્ણય કેન્દ્રના નાણાં ખાતાએ લીધો છે. આ સ્થિતિમાં જન્મના દાખલાને અભાવે પરમેનન્ટ એકાઉન્ટ નંબર ન મેળવી શકનારાઓને માટે પાન મેળવવાનો માર્ગ મોકળો થયો છે. મેજિસ્ટ્રેટ સામે સોગંદનામું કરીને જન્મતારીખ જણાવવામાં આવે તો તેને પણ પાન ઇશ્યૂ કરવા માટેના પુરાવા તરીકે માન્ય રાખવામાં આવશે.તેનો સીધો લાભ જન્મની નોંધણીનો પુરાવો ન ધરાવતા સુપર સિનિયર સિટીઝન્સને મળશે.
પરમેનન્ટ એકાઉન્ટ નંબર-પાન ઇશ્યૂ કરવા માટે જૂની વ્યવસ્થા હેઠળ અરજદારે સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ કે પછી અમ્યુકો જેવી નગરપાલિકાના નોંધણી વિભાગ દ્વારા આપવામાં આવતા જન્મના દાખલાને જ માન્ય રાખવામાં આવતો હતો.
હવે પાનના અરજદારો ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ, રજિસ્ટ્રાર ઑફ મેરેજ દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા મેરેજ સર્ટિફિકેટ, સરકાર માન્ય બોર્ડ દ્વારા આપવામાં આવતી મેટ્રિક્યુલેશનની માર્કશીટ, સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા ડોમેસાઈલ સર્ટિફિકેટ, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ ઇશ્યૂ કરેલા આધાર કાર્ડ, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા ફોટો ઓળખ કાર્ડ તેમ જ રાજ્ય કે કેન્દ્ર સરકારની કંપનીઓ દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા ઓળખકાર્ડને પણ જન્મના પુરાવા તરીકે માન્ય રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હા, તેમાં વ્યક્તિના નામનો, તેની જન્મની તારીખ, મહિનો અને વર્ષનો ઉલ્લેખ થયેલો હોવો જરૃરી છે.
પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં જન્મતારીખ હશે તો તેને પણ પાન માટેના પુરાવા તરીકે માન્ય રાખવામાં આવશે. કેન્દ્ર સરકારની હેલ્થ સર્વિસ સ્કીમ (સીજીએચએસ)ના ફોટો કાર્ડ કે સૈન્યના નિવૃત્ત અધિકારીને મળતી કોન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમના ફોટો કાર્ડ પર જન્મતારીખ લખેલી હશે તો તેને પણ પુરાવા તરીકે માન્ય રાખવામાં આવશે.
કંપનીએ રજિસ્ટ્રેશન માટે અરજી કરી હોય અને તેનું રજિસ્ટ્રેશન ન આવ્યું હોય તે પૂર્વે જ તે પરમેનન્ટ એકાઉન્ટ નંબર મેળવવાની ઇચ્છા ધરાવતી હોય તો તેવા સંજોગોમાં કંપનીએ આઈએનસી ફોર્મ નંબર-૭ તરીકે ઓળખાતું ફોર્મ ભરીને આપવાનું રહેશે. નવી કંપનીઓને ફોર્મ નંબર-૭માં ભરી આપેલી વિગતોને આધારે પરમેનન્ટ એકાઉન્ટ નંબર ફાળવી આપવાનો રહેશે.