કર્મચારીના સીઆરને બદલે વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલ

ગુજરાત સરકારે ચાલુ નાણાકીય વર્ષથી વર્ગ-2ના અધિકારીઓની જેમ જ વર્ગ-3ના કર્મચારીઓના વાર્ષિક ખાનગી અહેવાલ(સીઆર)ને સ્થાને હવે કામગીરી મૂલ્યાંકન અહેવાલ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયની અસર અંદાજે ચાર લાખથી વધુ કર્મચારીઓને થશે. કામગીરી મૂલ્યાંકન અહેવાલ તૈયાર કરવા માટે કર્મચારીઓને ચાર પ્રકારના ફોર્મ ભરવા ઉપરાંત સ્વમૂલ્યાંકન(સેલ્ફ અસેસમેન્ટ)નું ફોર્મ અલગથી ભરવાનું રહેશે. સામાન્ય વહીવટ વિભાગે આ નિર્ણય સાથે જ વાર્ષિક સીઆર લખવાની જૂની પદ્ધતિ તાત્કાલિક અસરથી રદ કરી છે.
કેન્દ્ર સરકારના પર્સોનલ ડિપાર્ટમેન્ટે જારી કરેલી માર્ગદર્શિકા મુજબ 2013-14થી ગુજરાત સરકારે વર્ગ-2 અને તેથી ઉપરના અધિકારીઓ માટે આ પદ્ધતિ લાગુ કરી હતી. અલબત્ત, આ પ્રક્રિયામાંથી સનદી અધિકારીઓને બાકાત રાખવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગના ડે. સેક્રેટરી દેવી પંડ્યાની સહીથી કરવામાં આવેલાં પરિપત્રમાં જણાવાયું છે કે, વર્ગ-3ના કર્મચારીઓ માટે વાર્ષિક મૂલ્યાંકન પધ્ધતિના અમલને પગલે ખાનગી અહેવાલ લખવાની સૂચનાઓ અને ઠરાવો 31 માર્ચ, 2015ની તાત્કાલિક અસરથી રદ કરતી સૂચના આપવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે, કામગીરી મૂલ્યાંકન માટે હવે ચાર પ્રકારના ફોર્મ રાખવામાં આવ્યા છે. જેમાં પ્રાથમિક માહિતીમાં તાલીમ, હાજરી, રજા, વધારાના ચાર્જ સંભાળ્યા હોય તેની વિગત જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્વમૂલ્યાંકન માટેનું એક અલગ ફોર્મ રખાયું છે.