ગુજરાત
યુનિવર્સિટી દ્વારા હાલ બી.એડ.ની વાર્ષિક પરીક્ષા લેવામાં આવી રહી છે. આ
પરીક્ષામાં શનિવારે વિદ્યાર્થીઓને પુછવામાં આવેલું પ્રશ્નપત્ર એક ખાનગી
બી.એડ. કોલેજની પ્રિલિમનરી પરીક્ષામાં પુછેલા પેપરની ઉઠાંતરી કરી હોવાની
વિગતો બહાર આવી હતી. આ મુદ્દે હાલ તો કુલપતિએ તપાસ કરવાની ખાત્રી આપી છે. બી.એડની પરીક્ષાની જવાબદારી સંભાળતાં અધ્યાપકો દ્વારા કેવા પ્રકારની લાલિયાવાડી ચલાવવામાં આવે છે તેનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. શનિવારે ગુજરાત માધ્યમિક શિક્ષણની વિસ્તરતી ક્ષિતિજો એ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. આ વિષયની પરીક્ષાનું પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓના હાથમાં આવતાં કેટલાક વિદ્યાર્થીઓ ગેલમાં આવી ગયા હતા. સૂત્રો કહે છે યુનિવર્સિટીની એક ખાનગી કોલેજ પ્રકાશ બી.એડ. કોલેજમાં થોડા દિવસો પહેલા પ્રિલિમનરી પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને જે પ્રશ્નપત્ર પુછવામાં આવ્યું હતું તેજ બેઠું પ્રશ્નપત્ર વાર્ષિક પરીક્ષામાં પુછી દેવામાં આવ્યું હતું. આ બી.એડ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પેપર હાથમાં આવતાં ગેલમાં આવી ગયા હતા. પ્રિલિમનરી પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નપત્રમાંથી ૯૫ ટકા પ્રશ્નો બેઠા પુછી દેવામાં આવ્યા હતા. સૂત્રો કહે છે બી.એડની પરીક્ષામાં સિનિયર અધ્યાપકોને બાજુ પર રાખીને જૂનિયર અધ્યાપકોની પરીક્ષાની કામગીરી સોંપવામાં આવી છે. આ ઉપરાંત બી.એડ. પરીક્ષાના કો-ઓર્ડિનેટર દ્વારા જેમને પ્રશ્નપત્ર કાઢવાની જવાબદારી સોંપવામાં આવી હતી તેઓએ કેવા પ્રકારનું પ્રશ્નપત્ર કાઢયું છે તે જોવાની તસ્દી પણ લેવામાં આવી નહોવાની વિગતો બહાર આવી હતી. આ અંગે કુલપતિ એમ.એન.પટેલ કહે છે આગામી દિવસોમાં આ પ્રશ્નપત્ર અંગે તપાસ કરાશે. |