પ્રવેશની માહિતી માટે બી ગ્રૂપને અન્યાય
બી ગ્રૂપ માટે કરિઅર ગાઇડન્સ વધારે મહત્વનું બી ગ્રૂપ સાથે ધો.૧૨ સાયન્સની ચોથા સેમેસ્ટરની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ કહે છે બી ગ્રૂપમાં પોઇન્ટ માર્કસમાં પણ બ્રાન્ચ ફરી જતી હોય છે. જો મેડિકલમાં પ્રવેશ ન મળે તો પછી ડેન્ટલમાં લેવો કે આયુર્વેદ, હોમિયોપેથીમાં પ્રવેશ લેવો સારો તે મુદ્દે દ્વિધા રહેતી હોય છે. આ સિવાય સ્વનિર્ભર કોલેજોમાં પ્રવેશ લેતી વખતે શું ધ્યાન રાખવું, હોસ્ટેલની વ્યવસ્થા છે કે નહીં, પ્રવેશ લીધા પછી લાખો રૂપિયાની ફી ભરવા માટે લોન કયાંથી અને કેવી રીતે મળશે સહિતના અનેક પ્રશ્નો મુંઝવતાં હોય છે.
એ ગ્રૂપ એડમિશન કમિટીના મેમ્બર સેક્રેટરી શું કહે છે ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી એડમિશન કમિટીના મેમ્બર સેક્રેટરી જી.પી.વડોદરિયા કહે છે કરિઅર ગાઇડન્સ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચોક્કસ મદદરૂપ થતું હોય છે. અમે આ વખતે જિલ્લા-તાલુકા ઉપરાંત નાના શહેરો જેવા કે મહેમદાવાદ, નડિયાદ, સાણંદ,વિરમગામ વગેરેમાં જઇને પણ વિદ્યાર્થીઓ-વાલીઓને પ્રવેશ અંગેની જાણકારી આપવાનું શરૂ કર્યું છે. આ સિવાય બાઇસેગના માધ્યમથી સમગ્ર રાજયના વિદ્યાર્થીઓ-વાલીઓને પોતાની શાળા કે કોલેજમાંથી જ તમામ જાણકારી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરિણામ આવ્યા પછી પણ આ પ્રક્રિયા ચાલુ રખાશે.
બી ગ્રૂપની એડમિશન કમિટીના સભ્યો શું કહે છે !મેડિકલ-પેરા મેડિકલમાં પ્રવેશની કાર્યવાહી કરતી સમિતિના સભ્યો કહે છે એ ગ્રૂપમાં ઓનલાઇન હોવાથી તેઓ કરિઅર ગાઇડન્સ માટે સેમિનારો કરતાં હોય છે. બી ગ્રૂપમાં વેબસાઇટ પર જ માહિતી મુકી દેવામાં આવે છે. આમછતાં કોઇ સેમિનાર કરે અને બોલાવે તો અમે જઇએ છીએ. પરંતુ કમિટી દ્વારા વર્ષોથી કોઇ સેમિનાર કે વર્કશોપ થતાં નથી.
ધો.૧૨માં બી ગ્રૂપ રાખનારાઓનો શું વાંક/ I પ્રવેશની પદ્ધતિ- કમિટી જુદી પણ પ્રવેશની જાણકારી આપવામાં ભેદભાવ

ધો.૧૨ પછી મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને યોગ્ય જાણકારી મળી રહે તેવી વ્યવસ્થા કરવી તેવી સૂચના સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવી છે. આ આદેશ કમ સૂચનાનું પાલન કરવું દરેક રાજય માટે ફરજિયાત છે. ગુજરાતમાં વાસ્તવિક્તા એ છે કે એ ગ્રૂપ માટે રાજય સરકાર દ્વારા જ સેમિનાર અને હવે તો બાઇસેગના માધ્યમથી પણ વિદ્યાર્થીઓને ઘરે બેઠા માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. બીજીબાજુ બી ગ્રૂપના વિદ્યાર્થીઓ માટે આવા કોઇ સેમિનાર થતાં નથી. બી ગ્રૂપના વિદ્યાર્થીઓએ કોઇ જાણકારી જોઇએ તો માત્ર બી ગ્રૂપની પ્રવેશ સમિતિની વેબસાઇટ પર આધાર રાખવો પડે છે.રાજયમાં મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાથી લઇને પ્રવેશ સુધીની કાર્યવાહી એક સરખી અને એક જ પધ્ધતિથી થવી જોઇએ. પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી એ અને બી ગ્રૂપના વિદ્યાર્થીઓ વચ્ચે ભારે વિસંગતતા જોવા મળી રહી છે. વર્ષો પહેલા બન્ને પ્રવાહની પ્રવેશ કાર્યવાહી માટે એક જ સમિતિ અસ્તિત્વમાં હતી. પરંતુ હવે બે અલગ અલગ સમિતિઓ કાર્યરત છે. એક સમિતિ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા કરે છે તો બીજી સમિતિ જૂની અને પરંપરાગત રીતે પ્રવેશની કાર્યવાહી કરે છે. બન્નેના ફોર્મ અને તેની કિંમત પણ અલગ અલગ છે. સૌથી મહત્વની અને વિદ્યાર્થીઓ-વાલીઓને સીધી સ્પર્શતી બાબત એ છે કે ધો.૧૨ સાયન્સની પરીક્ષા પુરી થયા બાદ એ ગ્રૂપના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને પ્રવેશ કેવી રીતે લેવો, ઓનલાઇન કાર્યવાહી કેવી રીતે કરવી, કઇ બ્રાન્ચ પસંદ કરવી તેની સવિસ્તૃત માહિતી મળી રહે તે માટે મોટાપાયા પર સેમિનારોનું આયોજન કરવામાં આવે છે. પ્રવેશ સમિતિના સભ્યો દરેક જિલ્લા અને તાલુકા મથકો પર જઇને વિદ્યાર્થીઓને પ્રવેશ અંગેની જાણકારી આપતાં હોય છે. કોઇ સ્વનિર્ભર કોલેજો વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરે તો પણ પ્રવેશ સમિતિના સભ્યો તેમાં ઉપસ્થિત રહીને વાલીઓને પ્રવેશ સંબંધી પુરતી જાણકારી આપતાં હોય છે. એજ્યુકેશન સિવાયની કોઇ ખાનગી સંસ્થાઓ અથવા તો સામાજિક મંડળો દ્વારા થતાં કરિઅર ગાઇડન્સમાં પણ પ્રવેશ સમિતિના સભ્યો ખાસ હાજરી આપીને જાણકારી આપે છે. બીજીબાજુ બી ગ્રૂપના વિદ્યાર્થીઓ માટે વર્ષોથી આવી કોઇ વ્યવસ્થા જ નથી. કોઇને જાણકારી મેળવવી હોય અથવા તો પ્રવેશનું ફોર્મ જમા કરાવવું હોય પણ અમદાવાદની બી.જે.મેડિકલમાં રૂબરૂ આવવું પડે છે. એક જ રાજયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ વચ્ચે આ પ્રકારની અસમાનતાના કારણે હાલ વિદ્યાર્થીઓ-વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.એ અને બી ગ્રૂપમાં કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી !ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૨ સેમેસ્ટર-૪ની પરીક્ષામાં એ ગ્રૂપમાં ૭૩૬૯૧ અને બી ગ્રૂપમાં ૫૫૪૨૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. બન્ને ગ્રૂપ રાખીને પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ સંખ્યા જૂજ હોય છે. એટલે કે આ વખતે ધોરણ ૧૨માં અંદાજે ૧ લાખ ૩૦ હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.