17 આસિ.એજ્યુ.ઇન્સ્પેક્ટરને ઇન્સ્પેક્ટર બનાવી દેવાયા
અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી ખાલી પડેલી ઇન્સ્પેક્ટરની જગ્યાઓ ભરાશે

ગુજરાતની જુદી જુદી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની ભરતી કરવામાં આવતી હોય છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં પણ છેલ્લા બે વર્ષથી એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની જગ્યાઓ ખાલી પડી છે. હવે શિક્ષણ વિભાગ દ્વારા ૧૭ જેટલા આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને પ્રમોશન આપીને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર બનાવવાની જાહેરાત કરતાં આગામી દિવસોમાં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં પણ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મળી રહે તેવી શકયતા છે.

રાજ્યની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓમાં નિયમ પ્રમાણે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ફરજ બજાવતાં હોય છે. જિલ્લાના કાર્યક્ષેત્રમાં આવતી શાળાઓમાં ઉઠતી ફરિયાદની ચકાસણી કરવાની કામગીરી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દ્વારા કરાતી હોય છે. સૂત્રો કહે છે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કેટલાય સમયથી એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે સીધી ભરતી જ નથી કરાતી. પરિણામે શહેર અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓની ચકાસણી કરવી હોય તો મુશ્કેલી નડી રહી છે. અમદાવાદ જેવી જ સ્થિતિ અન્ય જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓમાં હોવાના કારણે હવે તાજેતરમાં ૧૭ જેટલા આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને પ્રમોશન આપીને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર બનાવી દેવાયા છે. સીધા એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની ભરતી કરવામાં ન આવતાં હવે આસિસ્ટન્ટમાંથી પ્રમોશન આપીને ઇ.ઇ. બનાવી દેવાયા છે. જે ૧૭ આસિસ્ટન્ટ એજ્યુકેશનની ભરતી કરાઈ છે તે પૈકી કેટલાકની નિમણૂક અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની કચેરીમાં કરવામાં આવે તેવી શકયતા છે. સૂત્રો કહે છે છેલ્લા બે વર્ષથી શાળાઓની ચકાસણી કરવાનો જે પ્રશ્ન ઊભો થયો હતો તેનો આગામી દિવસોમાં ઉકેલ આવે તેવી સ્થિતિ ઊભી થઇ છે.